ઉત્તર ગુજરાતગુજરાત

ગિરનારની લીલી પરિક્રમાઃ તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ, સુવિધામાં થયો વધારો

જૂનાગઢ, 21 નવેમ્બર : ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી બે દિવસ પછી તા. 23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી પ્રારંભ થઈ રહ્યો છે. આગામી તા. 27 નવેમ્બર સુધી લાખો યાત્રાળુઓ ગિરનારની પરિક્રમા કરશે જેમાં ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને અસુવિધા ન થાય તે માટે ગત પરિક્રમાઓની સરખામણીમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન યાત્રાળુઓ માટે પીવાના પાણીના પોઈન્ટ વધારવાની સાથે પરિક્રમા રૂટ પર લાઈટની સુવિધા પણ છેલ્લી પરિક્રમા કરતા વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષે નવા અભિગમ સાથે અને વાતાવરણના બદલાવના કારણે આગ-દવના બનાવ ન બને તે માટે અગ્નિશામક યંત્ર રાખવાની શરત સાથે અન્નક્ષેત્રની પરવાનગી આપવામાં આવી છે.

શું કહ્યું નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ…?

આ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લઈને વધુ જાણકારી આપતા નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ વધુ જાણકારી આપી કે,

  • યાત્રાળુઓને પરિક્રમા દરમિયાન ભોજન માટે અગવડ ન પડે તે માટે 71 જેટલા અન્નક્ષેત્રને પરવાનગી આપવામાં આવી છે.
  • પીવાના પાણી માટે વન વિભાગ દ્વારા 15 જેટલા પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીના પોઈન્ટ મુકવામાં આવ્યા છે. આમ, ગત વર્ષની સરખાણીમાં પીવાના પાણીની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
  • પરિક્રમા દરમિયાન કોઈ ઇચ્છનીય બનાવ ન બને અને યાત્રાળુઓની સુરક્ષા માટે વેટરનરી ડૉક્ટર અને ટ્રેકર સાથેની છ રેસક્યુ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ યાત્રાળુઓ પણ વન્ય પ્રાણીઓને ન છંછેડે તે પણ હિતાવહ છે.
  • આ વર્ષે પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા 500 જેટલી ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે અને તેટલી જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે.
  • નવા અભિગમ સાથે યાત્રીઓને મુશ્કેલી ન થાય તે રીતે રાત્રિના સમયે કચરાથી ભરાયેલી ડસ્ટબીનમાંથી કચરો બહાર કાઢી લેવામાં આવશે. સાથે-સાથે આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

વન સંરક્ષક અક્ષય જોષીએ ભાવિકોને કર્યો અનુરોધ

નાયબ વન સંરક્ષકએ ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે, લીલી પરિક્રમા નિયત સમય એટલે કે, કારતક સુદ અગિયારસના દિવસે તા.23-11-2023ના રોજ શરૂ કરે, જેથી શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધાઓ મળી રહે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, આ વર્ષે ભારે વરસાદના કારણે પરિક્રમાના રસ્તાઓ અને કેડીઓનું ભારે ધોવાણ થયું હતું. જે વન વિભાગ દ્વારા તેનું સુપેરે મરામત કાર્ય કરવામાં આવ્યું છે. ગિરનાર અભયારણ્ય ક્ષેત્ર હોવાથી પરિક્રમા રૂટ પર મોબાઈલ નેટવર્ક ન હોઈ યાત્રાળુઓની સુવિધા માટે વન વિભાગ સહિતનો સ્ટાફ વાયરલેસ વોકીટોકી સાથે તૈનાત રહેશે. જે યાત્રાળુઓની મુશ્કેલી નિવારવા માટે ખડેપગે રહેશે. ભાવિકોએ કોઈ પણ મદદ માટે ઉપસ્થિત કર્મચારી અધિકારીઓનો સંપર્ક કરવો. વન વિભાગે પ્રકૃતિના જતન સહિતના સંદેશ આપતા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પણ લગાડવામાં આવ્યા છે. પરિક્રમામાં સહભાગી થનાર ભાવિકોની સંખ્યાની નળપાણી અને ગિરનાર સીડી ખાતેથી ગણતરી કરવામાં આવશે. ઉપરાંત વયોવૃદ્ધ અને જરૂરિયાતમંદ ભાવિકોને પરિક્રમા સરળતાથી કરી શકે તે માટે લાકડી આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના ગિરનાર પરના અંબાજી-દત્તાત્રેયના મંદિર નજીક આ વસ્તુઓ પર પ્રતિબંધ

રાત્રી મુકામના 8 પડાવ ખાતે જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઊભી કરાઈ

આ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રાળુઓને કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે 8 જગ્યાએ જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઊભી કરાઈ છે. મહત્વનું છે કે, પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ મારફત વીજળી પૂરી પાડવામાં આવશે.

આ લીલી પરિક્રમાને લઈને વિવિધ 8 જગ્યાએ જેમાં પરિક્રમા રૂટના બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા માળવેલાની ઘોડી તરફ, જીણાબાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકી વાળો પોઇન્ટ-૧, મોળા પાણીના પુલ (નાળુ) પાસે, ડેરવાડ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઈડ પગથીયા પુરા થાય પછી પગથિયા થી ૧ કિલોમીટર દૂર (પોર્ટેબલ જનરેટર – ૧) DG સેટ મૂકવામાં આવશે. તેમજ મહાનગરપાલિકા ની હદમાં તંત્ર દ્વારા લાઈટની સુવિધા ઉભી કરવામાં આવશે

મહાનગરપાલિકા ની હદમાં મનપતંત્ર દ્વારા લાઈટ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ભવનાથ પરિસરમાં વીજ સલામતી જળવાઈ રહે તે માટે પણ વીજતંત્ર જરૂરી ચકાસણી કરવામાં આવી છે. ઉપરાંત પરિક્રમા ના રુટ અને ભવનાથ પરિસરમાં વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે તે માટે PGVCL ની ટીમોને ફરજ સોપવામાં આવી છે.કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગરવા ગિરનારની લીલી પરિક્રમાની તારીખ નક્કી, પૂણ્યનું ભાથું બાંધવા ભાવિકો તૈયાર

સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી

આ ગિરનાર લીલી પરિક્રમાને લઈને ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ખાદ્ય પદાર્થ ખરીદી વખતે રાખવાની તકેદારીઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સાથે ભાવિકોની મુશ્કેલીઓ નિવારવા માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ગિરનાર લીલી પરિક્રમા તા.23-11-2023 થી તા.27-11-2023 દરમિયાન યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે ખાસ કરીને ખાદ્ય પદાર્થની ખરીદી પહેલા તે ખાદ્ય પદાર્થની એક્સપાયરી છે કે નહીં ? તેની તકેદારી રાખવી. વધુમાં અવારનવાર ખાદ્ય તેલનો તળવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ફરસાણ કે નમકીનની ખરીદી ન કરવી. તેમજ કોઈ પણ ખાદ્ય પદાર્થની ખરીદી સ્વચ્છ અને સારી જગ્યાએથી કરવી હિતાવહ છે. ઉપરાંત કોઈપણ ખાદ્ય વસ્તુની ખરીદી કરતી વેળાએ એમઆરપી કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં. આમ, આ બાબતે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી જણાય તો કંટ્રોલ રૂમના ટેલીફોન નં.0285-2624135,0285-2622011, 0285– 2620180 અને 0285-262214 પર સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો : જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

Back to top button