ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

થરાદના પાંચમું પાસ કારીગર પાકિસ્તાની ‘એપ્લિક વર્ક’થી સાડીઓ બનાવે છે, 300 મહિલાઓને રોજગારી આપી

અમદાવાદ, 20 ડિસેમ્બર 2023, 1971માં પાકિસ્તાનથી ભારત આવેલા ગેનાજી સુથારના પુત્ર વિષ્ણુભાઈ સુથાર આજે તેમની કલામાં અવનવાં સંશોધન કરીને 22 ગામની 300થી વધુ મહિલાઓને ઘેરબેઠાં રોજગારી આપે છે. હાલમાં તેઓ પોતાના ઘરમાં જ સાડીઓથી માંડીને ગાલીચા, પડદા, ઓશીકાંનાં કવર, ચાદર જેવી વસ્તુઓ બનાવી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડીઓ બોલિવૂડની અભિનેત્રીઓ પહેરી ચૂકી છે. લોકડાઉનના સમયગાળામાં કામધંધા બંધ થઈ જતાં મોટી મુશ્કેલી સર્જાઈ હતી. આ સમયે વિષ્ણુભાઈએ માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું. તેમની પાસે વધેલા કાપડમાંથી માસ્ક બનાવવા માટે મહિલાઓને કામ આપ્યું હતું.

1971માં વિષ્ણુભાઈના પિતા થરાદ આવીને વસ્યા
કોરોનાકાળના લોકડાઉનના સમયમાં તેમને સાડી, ગાલીચા, પડદા, ઓશીકાંનાં કવર, ચાદર જેવી વસ્તુઓ બનાવવા માટેનો ઓર્ડર ગુજરાત સરકારના હસ્તકલા વિભાગ તરફથી મળ્યો હતો. એમાં તેમણે 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર કર્યું હતું. વિષ્ણુભાઈએ હમ દેખેંગે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતા ગેનાજી સુથાર પાકિસ્તાનના નગરપારકરથી 1971માં પહેલાં રાજસ્થાનના બાડમેર અને પછી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસ્યા હતા. તેઓ પાકિસ્તાનથી એપ્લિક વર્કની કારીગરી સાથે લઈને આવ્યા હતાં. આજે તેમાં તેમના પુત્ર વિષ્ણુભાઈ સુથારે પરિવર્તન લાવી પોતાની આ પારંપરિક કારીગરીને દેશભરમાં પ્રખ્યાત કરી છે.

ભારતમાં આ વર્ક માત્ર વિષ્ણુભાઈ પાસે છે
વિષ્ણુભાઈ સુથાર જણાવે છે કે “અમે જે કામ કરીએ છીએ એને ‘એપ્લિક વર્ક’ કહેવાય છે, જે પાકિસ્તાનમાં તો છે, પરંતુ સમગ્ર ભારતમાં ફક્ત અમારી પાસે જ છે. અમે ભારતમાં આવ્યા તેનાં 40 વર્ષ સુધી અને એ પહેલાંના સમયથી ગાલીચા, પડદા, ઓશીકાંનાં કવર, ચાદર વગેરે બનાવતા હતા. વિષ્ણુભાઈએ જણાવ્યું કે, જ્યારે 1971માં મારા પિતા ભારતમાં આવ્યાં ત્યારે તેઓ બીજા હજારો શરણાર્થીઓ સાથે બાડમેર જિલ્લાના બાખાસર ગામમાં બલવંતસિંહ ચૌહાણની જાગીરમાં રોકાયા હતાં. તે સમયે ઘણી એવી સંસ્થાઓ પાકિસ્તાનથી આવેલા શર્ણાર્થીઓમાંથી જે વિવિધ કામ, કારીગરી જાણતા હોય તેમને અલગ તારવીને કામ અપાતી હતી અને તેવી જ રીતે અમારા પિતાજીની પાસે આ ચાદર તથા પડદા બનાવવાની કારીગરી હતી. જેના દ્વારા તે સંસ્થાએ તેમને પોતાને ત્યાં કામ આપ્યું અને આમ ધીમે ધીમે આગળ જતા અમે થરાદમાં સ્થાયી થયા હતાં. અત્યારે પાકિસ્તાનમાં રહેતા તેમના માસા, મામા, ફોઈના ઘરના કારીગરો ફક્ત આ બધી જ ચીજ વસ્તુઓ બનાવે છે.

300 જેટલી મહિલાઓને રોજગારી પુરી પાડી
વિષ્ણુભાઈએ કહ્યું કે, જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતા પાસે આ એપ્લિક વર્ક શીખ્યો. તેને મારી રીતે આગળ વધવાનું નક્કી કર્યું. આજથી 12 વર્ષ પહેલાં અમારી અત્યાર સુધીની બધી પેઢીમાંથી મેં સૌ પ્રથમ ચાદર, કવર સહિતની વસ્તુઓ બનાવવાની સાથે સાડી અને ડ્રેસ બનાવવાની શરૂઆત કરી હતી.થરાદથી લઈને સાંતલપુર સુધીના 22 ગામોની લગભગ 300 જેટલી મહિલાઓને વિષ્ણુભાઈ દ્વારા બનાવવામાં આવેલી સાડી અને ડ્રેસ પર ડિઝાઇન બનાવવા માટે ટાંકા લેવાનું કામ આપી આ મહિલાઓને આજીવિકાની તક પુરી પાડે છે. તેઓ પ્રોડક્ટ તૈયાર કરવા માટે કાપડ લાવીને તેના પર ડિઝાઇન છાપે છે. ત્યારબાદ લાકડાના પાટ પર હથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે. આ કાપેલા કાપડના નીચે એક બીજું કાપડ મૂકીને ઉપરના કાપડને વાળીને ટાંકા લેવામાં આવે છે અને છેલ્લે તે તૈયાર થાય છે. ટાંકા લેવાની ટ્રેનિંગ વિષ્ણુભાઈ દ્વારા જે તે ગામની મહિલાઓને તેમના ઘરે જઈને જ આપવામાં આવે છે.

સાડીનો ભાવ 5 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો
વિષ્ણુભાઈ જણાવે છે કે, તેમની આ કારીગરીથી પ્રભાવિત થઈને અભિનેતા સંજય દત્તના બહેન દિવ્યા દત્તે તેમને પોતાના ઘરે બોલાવી વિવિધ વસ્તુઓ બનાવડાવી હતી. તેઓ કહે છે કે, કોરોનાના સમયમાં શરૂઆતમાં આજીવિકામાં અસર થઇ હતી. પરંતુ, ગુજરાત સરકારના એમ્પોરિયમ માટેના એકમ ગરવી ગુર્જરીનું પણ સારું એવું યોગદાન રહ્યું અને તે બંનેએ ખુબ સપોર્ટ કર્યો અને તે કપરા કાળમાં પણ અમારો જેટલો પણ માલ બન્યો તેટલો માલ તેમણે ખરીદી લીધો. વિષ્ણુભાઈ દ્વારા નિર્મિત સાડીનો ભાવ 5 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો છે. જ્યારે ડ્રેસનો ભાવ 2 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો છે. તેમણે બનાવેલા ડ્રેસ બોલિવૂડ ફિલ્મની અભિનેત્રીઓએ પણ પહેર્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ઈન્ટીરિયર ડિઝાઇનરે ધંધો બંધ થતાં ગૌશાળા શરૂ કરી,લોકોને ઓર્ગેનિક દૂધનો વિકલ્પ આપ્યો

Back to top button