બાલાકોટ એરસ્ટ્રાઈકનો ખોફ આજે પણ પાકિસ્તાનને ડરાવે છેઃ છ વર્ષથી કર્ફ્યુ ઉઠાવ્યો નથી

રાવલપિંડી (પાકિસ્તાન), 26 ફેબ્રુઆરી, 2025: પાકિસ્તાન ભલે દુનિયા આખીમાં કહેતુ હોય કે અમે ભારતથી ડરતા નથી. ભારતને છિન્નભિન્ન કરી નાખીશું. ભારતનું લશ્કર અમારુ કંઇ બગાડી શકે તેમ નથી. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ પાકિસ્તાનના તમામ જુઠાણાઓને ખુલ્લા પાડે છે અને પાકિસ્તાનની ભારત સામે ખરેખર સ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આપે છે. વિગતે જોઇએ તો 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં ભારત દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઇકનો ડર હજુ પણ પાકિસ્તાનને અને તેના વહીવટીતંત્ર અને આતંકવાદીઓના ચહેરા પર જોઈ શકાય છે. એટલુ જ નહી ઘટનાને છ વર્ષ વિત્યા છતા આજે ત્યાં કર્ફ્યું છે.
એરસ્ટ્રાઇકની આ ઘટનાને છ વર્ષ વીતી ગયા હોવા છતાં, પાકિસ્તાન સેનાએ બાલાકોટ નજીક જબ્બા ટોપ વિસ્તારમાં આવેલી તાલીમ-ઉલ-કુરાન મદરેસાની આસપાસ અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેન્દ્રની આસપાસ કડક કર્ફ્યુ જાળવી રાખ્યો છે. કોઈ સામાન્ય કે ખાસ વ્યક્તિને ત્યાં જવાની મંજૂરી નથી.
આતંકવાદી સંગઠનોના નેતાઓ હવે દિવસે કે રાતના અંધારામાં અહીં આવતા નથી!
આ હવાઈ હુમલાનો ડર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની તંત્રમાં એટલો બધો ઘર કરી ગયો છે કે આતંકવાદીઓ અમુક જ વાર દિવસ દરમિયાન તાલીમ લેવા માટે ત્યાં આવે છે. પણ સાંજે અંધારું થાય તે પહેલાં તેઓ પાછા ફરે છે. આતંકવાદી સંગઠનોના ટોચના નેતાઓ હવે દિવસે કે રાતના અંધારામાં અહીં આવવાનું પસંદ કરતા નથી. આતંકવાદી નેતાઓએ આ વિસ્તારથી દૂર વસાહતોમાં પોતાના રહેઠાણ બનાવ્યા છે જેથી માનવ વસાહતોની હાજરીને કારણે ત્યાં કોઈ હુમલો થઇ શકે નહી.
ફૌજના અધિકારીઓ પણ આવતા નથી
આ જગ્યાએથી આતંકવાદીઓના તાલીમ કેન્દ્રને પણ દૂર કરવામાં આવ્યું છે. નવા આતંકવાદીઓને દિવસ દરમિયાન અહીં લાવવામાં આવે છે અને તેમને પ્રારંભિક તાલીમ આપવામાં આવે છે પરંતુ કોઈ મોટો આતંકવાદી નેતા કે લશ્કરી અધિકારી તેમને તાલીમ આપવા આવતા નથી. નવા આતંકવાદીઓને આ તાલીમ દરરોજ આપવામાં આવતી નથી, એટલે કે તેમના આગમનનો કોઈ નિશ્ચિત સમય નથી. દૂરના ગામડાઓના લોકો પણ તેમના બાળકોને આ મદરેસામાં મોકલવાનું ટાળે છે કેમ કે તાલીમ ઉલ કુરાન મદરેસા પણ ઉજ્જડ છે.
પાકિસ્તાની સેનાનું માનવું છે કે આ વિસ્તાર ભારતીય વાયુસેનાના રડાર પર આવી ગયો છે. આવી સ્થિતિમાં અહીં જોખમ લેવું યોગ્ય નથી. આ જ કારણ છે કે આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના પેટ્રોલિંગ દરમિયાન કોઈ વરિષ્ઠ અધિકારી રોકાતા નથી. એનો અર્થ એ કે આતંકવાદી હોય કે પાકિસ્તાની સેનાનો કોઈ વરિષ્ઠ અધિકારી, અહીં બધા ડરે છે.
આ પણ વાંચોઃ હવે લાંચ પણ ડિજિટલ બની! ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેરનો શરમજનક કિસ્સો