પિતા ફિલ્મ સ્ટાર અને સંસદસભ્ય છે, પણ દીકરીએ અપનાવી સૈન્યની સુપરસ્ટાર કારકિર્દી
નવી દિલ્હી, 9 જાન્યુઆરી, 2025: દેશની આ એવી દીકરી છે જેણે તેના પિતાની પ્રસિદ્ધિ અને વગનો ઉપયોગ કરીને સ્ટાર કીડ બનવાને બદલે દેશને ગૌરવ થાય એવી ભારતીય સૈન્યની કારકિર્દી અપનાવી છે. પિતા છે રવિ કિશન અને દીકરી છે ઈશિતા. રવિ કિશન ભોજપુર તેમજ હિન્દી ફિલ્મોનો જાણીતો ચહેરો છે જ, સાથે સંસદસભ્ય તરીકે પણ તેમની શાખ અને વગ છે.
રવિ કિશન ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર તો છે જ પણ સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ તેઓ અભિનય કરતા હોય છે. રવિ કિશન એકમાત્ર એવા અભિનેતા છે જેમના પુત્રીએ એક અનોખો રસ્તો પસંદ કર્યો છે. રવિ કિશનના પુત્રી ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર સેનામાં સેવા આપી રહ્યા છે. રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લ 2023માં સેના ભરતી યોજના અગ્નિવીરમાં જોડાયાં હતાં. હવે ઈશિતા ભારતીય સૈન્યમાં તાલીમ લે છે. ઈશિતા ગ્લેમરની દુનિયાથી દૂર હોવા છતાં, તેઓ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે. ઈશિતાને ઇન્સ્ટાગ્રામ પર ૧.૬ લાખથી વધુ લોકો ફોલો કરે છે. ઈશિતા અહીં પોતાના સેનાના ફોટા પણ શેર કરતાં રહે છે.
એક તરફ ઘણા બોલિવૂડ સુપરસ્ટાર તેમનાં બાળકોને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરાવવા મથામણ કરતા રહે છે, એટલું જ નહીં ડઝનબંધ સ્ટાર કિડ્સે તેમના પિતા કે માતાના પગલે ચાલીને ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો અને સ્ટાર બન્યા. જ્યારે રવિ કિશનની પુત્રીએ એક અલગ રસ્તો પસંદ કર્યો અને સેનામાં જોડાયા છે.
સુપ્રસિદ્ધ પિતાઃ
બોલિવૂડ ફિલ્મોમાંથી રવિ કિશનના ઘણા પાત્રો અમર થઈ ગયા છે. રવિ કિશને પોતાના કરિયરમાં 233 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિ કિશન એક મહાન કલાકાર તો છે જ, સાથે તેમનું નામ રાજકીય વર્તુળોમાં પણ ગુંજતું રહે છે. રવિ કિશન 2014માં કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ માત્ર ત્રણ વર્ષ પછી, 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ પછી રવિ કિશન ગોરખપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી. તેઓ 2024માં ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને ફરીથી જીત્યા. હવે રવિ કિશન ફિલ્મોની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તેઓ સ્ટાર છે, પરંતુ તેમની દીકરી સુપરસ્ટાર છે કેમ કે તે ભારતીય સૈન્યમાં જોડાઈને દેશના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ યોગી સરકારનો મોટો નિર્ણય : સંભલમાં 1978માં થયેલા તોફાનોની ફરી તપાસ કરાશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD