પ્રથમ તબક્કાના મતદાનમાં 8 કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ CM અને એક રાજ્યપાલનું ભાવિ દાવ પર

નવી દિલ્હી, 17 એપ્રિલ: દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે, જે અંતર્ગત 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલ પણ આ તબક્કામાં ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ પૈકી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી જીતની હેટ્રિક લગાવવાની આશા રાખી રહ્યા છે, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અરુણાચલ અને આસામના ઉમેદવારો
રિજિજુ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અરુણાચલ પ્રદેશ એકમના વર્તમાન અધ્યક્ષ નબામ તુકી સામે ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આસામની ડિબ્રુગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીની ટિકિટ કાપવામાં આવ્યા બાદ રાજ્યસભાના સભ્ય સોનોવાલને ડિબ્રુગઢથી મેદાનમાં ઉતાર્યા છે.
મુઝફ્ફરનગર અને ઉધમપુર
યુપીની મુઝફ્ફરનગર લોકસભા સીટ પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જ્યાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન એ સમાજવાદી પાર્ટી (SP)ના હરેન્દ્ર મલિક અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર દારા સિંહ પ્રજાપતિ સામે ટકરાશે. મોદી કેબિનેટના સભ્ય અને બે વખત સાંસદ રહી ચૂકેલા જિતેન્દ્ર સિંહને સતત ત્રીજી વખત ઉધમપુર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતવાની આશા છે.
અલવર અને તમિલનાડુ
રાજસ્થાનની અલવર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય ભૂપેન્દ્ર યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદવ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે. બીકાનેર પરથી કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગોવિંદ રામ મેઘવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન તમિલનાડુની નીલગિરી લોકસભા સીટ પર, DMKના સાંસદ અને ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા ભાજપના એલ મુરુગન સામે ચૂંટણી લડી રહ્યા છે, જેઓ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી છે. મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયેલા મુરુગન પહેલીવાર નીલગિરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
શિવગંગાઈ અને કોઈમ્બતુર
શિવગંગાઈ લોકસભા સીટના સાંસદ કાર્તિ ચિદમ્બરમ ફરી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં છે અને તેઓ ભાજપના ટી દેવનાથન યાદવ અને AIADMKના ઝેવિયર દાસ સામે લડશે. બીજેપી તમિલનાડુ એકમના પ્રમુખ કે. અન્નામલાઈ કોઈમ્બતુર લોકસભા સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જ્યાં DMKના નેતા ગણપતિ પી. રાજકુમાર અને AIADMKના સિંગાઈ રામચંદ્રન સામે ટકરાશે.
તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ ચૂંટણીના મેદાનમાં
તમિલિસાઈ સૌંદરરાજન જેમણે તાજેતરમાં તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફર્યા છે અને ચેન્નાઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી તમિલિસાઈ સૌંદરરાજને 2019ની લોકસભાની ચૂંટણી થૂથુકુડી લોકસભા બેઠક પરથી ડીએમકેના નેતા કનિમોઝી સામે લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.
છિંદવાડા અને ત્રિપુરા બેઠક
કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ ફરી એકવાર છિંદવાડા લોકસભા સીટથી ચૂંટણી લડશે. છિંદવાડા લોકસભા સીટને કમલનાથનો ગઢ માનવામાં આવે છે, જેમણે 1980થી નવ વખત આ સીટ જીતી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 29માંથી 28 બેઠકો જીતી હતી પરંતુ છિંદવાડા જીતવામાં તે ચૂકી ગઈ હતી.
પશ્ચિમ ત્રિપુરા લોકસભા સીટ પર પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ અને કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ આશિષ કુમાર સાહા વચ્ચે મુકાબલો છે. મણિપુરના કાયદા અને શિક્ષણ મંત્રી અને ભાજપના ઉમેદવાર બસંત કુમાર સિંહ આંતરિક મણિપુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને JNUના પ્રોફેસર અને કોંગ્રેસના ઉમેદવાર બિમલ અકોઈઝમ સામે ટક્કર છે.
બે વખતના પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર અને ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ઝાઝરિયા ઉત્તર રાજસ્થાનની ચુરુ લોકસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જે ભાજપનો ગઢ ગણાય છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર રાહુલ કાસવાન સામે છે. ટિકિટ મળ્યા બાદ કાસવાન માર્ચમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની 18મી લોકસભા માટે સાત તબક્કામાં 543 બેઠકો પર મતદાન થશે અને મતગણતરી 4 જૂને થશે.
આ પણ વાંચો: એમપીના સૌથી ધનાઢ્ય ઉમેદવારે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી પોતાની સંપત્તિ, હાલમાં છે કેન્દ્રીય મંત્રી