મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની યોજના ખેડૂતોએ અગાઉ મંજૂર થયેલી યોજના ગણાવી
પાલનપુર: ગુજરાત સરકાર દ્વારા મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટેની પાઇપલાઇન માટેની જાહેરાત કરાઈ છે. આ યોજનામાં મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવામાં આવશે. જોકે ખેડૂતોનું કહેવું છે કે, આ યોજના અગાઉ મંજૂર થયેલી હતી. અને આ યોજનાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો થઈ શકે તેમ નથી. ત્યારે ખેડૂતોની માંગ છે કે કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે અલગથી યોજના બનાવી ખેડૂતોની માગ પૂરી કરવામાં આવે. નહીતો ખેડૂતો નું જળ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનશે.
મલાણા તળાવ માટે ધનપુરા ડેમમાંથી પાઇપ લાઈનથી પાણી નાખવામાં આવે
કિસાન સંઘ નેતા માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે પ્રથમ જે જાહેરાત કરી છે એ માટે સરકાર ને અભિનંદન આપવા જોઈએ. પરંતુ છેલ્લા ઘણા વર્ષો થી જે ખેડૂતોની માંગણી છે અને જે આ વખતે આંદોલનો થયાં અને રેલીઓ થઇ એ માંગણીની દિશામાં સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી. કારણ કે મલાણા તળાવની માંગણી એવી હતી કે, ધનપુરા ડેમમાંથી પાઇપ લાઈનનું પાણી નાખવામાં આવે. એ બાબતે હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી. હજુ સુધી કરમવાદ માટે આટલી મોટી રેલી થઈ મુક્તેશ્વર અને કરમવાદ સાથે ભરવાની યોજના બનાવામાં આવે એના માટે કરમવાદ ભરવા માટે કોઈ જાહેરાત કરી નથી. એટલે જે જૂની યોજનાઓને સરકારે વહીવટ મંજૂરી આપી છે. પરંતુ ખેડૂતોની માંગણી કરમવાદ અને મલાણા તળાવની છે. સરકારને રજુઆત કરી છે કયાંથી પાણી આવી શકે ? કેવી રીતે આવી શકે? એ પણ ગાઈડ લાઈન આપી છે એટલે એ ગાઈડ લાઈન પ્રમાણે અમને પાણી નહિ મળે ત્યાર સુધી મોટા આંદોલન કરવાનાં પડશે તો અમે કટ્ટી બદ્ધ છીએ.
2017માં મુક્તેશ્વર પાઇપ લાઈન યોજના એ વખતે મંજુર કરેલી
જોકે આ અંગે ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2017માં નીતિનભાઈ પટેલ સિંચાઈ મંત્રી હતા. એમને વિધાનસભા ગૃહમાં મુક્તેશ્વર પાઇપ લાઈન યોજના મંજૂર કરેલી. ગયા વર્ષના બજેટ માં સરકારે 19 કરોડ રૂપિયાનું ટોકન પણ મંજુર કરેલું. હાલ સરકાર યોજનાઓ જાહેરાત કરે છે. એ બધી જૂની યોજના મંજુર કરેલી છે. અમારી માંગણી કરમવાદની અંદર પાણી નાખવાની છે. જે સરકારે મંજુર કરેલ નથી. અમે સરકારને જણાવીએ છીઍ છે કે સરકાર કરમાવદમાં પણ પાણી નાખવાનાની જાહેરાત કરે. ભલે આવતા બજેટમાં એની જોગવાઈ કરે. પરંતુ એની સિદ્ધાંતિક મંજૂરી અમને આપે. અમારા બંને પ્રશ્ર્નોનું એક સાથે નિરાકરણ કરે. એવી અમારા 125 ગામના ખેડૂતોની માંગણી છે. જ્યાં સુધી કરમવાદ અને મુક્તેશ્વરમાં બંનેમાં પાણીની મંજૂરી નહિ મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
જળ આંદોલન સમિતિની સીએમ સાથે થઈ શકે છે બેઠક
કરમાવદ તળાવમાં પાણી નાંખવાની ખેડૂતોની માંગણી હજુ સ્વિકારવામાં આવી નથી. જેથી ખેડૂતો જળ આંદોલન ચાલુ રાખવાના છે. હવે મુખ્યમંત્રી આવતીકાલે બનાસકાંઠામાં આવી રહ્યા છે, ત્યારે જળ આંદોલન સમિતિ સાથે આ મુદ્દે બેઠક થઈ શકે છે.