રામાયણની જાણીતી રામ અને સીતાની જોડી ફરી એકવાર અભિનય કરતા મળશે જોવા
એક સમયે દેશભરના લોકોને એપિસોડ દરમ્યાન સતત જકડી રાખનાર રામાયણની જાણીતી રામ એટલે કે અરુણ ગોવિલ અને સીતા એટલે કે દીપિકા ચિખલિયાની જોડી ફરી એકવાર અભિનય કરતા જોવા મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. 1987માં ડીડી નેશનલ પર આવેલી ‘રામાયણ’ના 34 વર્ષ બાદ એક્ટર અરુણ ગોવિલ અને એક્ટ્રેસ દીપિકા ચિખલિયા ફરી એકવાર ભગવાન રામ અને માતા સીતાના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફેમસ સીરિયલ ‘રામાયણ’ના બંને કલાકારો દિલ્હીના કર્કરડૂમા સ્થિત રામલીલાના મંચ પર ફરી એકવાર ભગવાન રામ અને સીતાના પાત્રમાં અભિનય કરતા જોવા મળશે.
ધનુષ ભંગથી લઈને સીતા સ્વયંવર સુધીના પ્રસંગનું થશે નાટ્યરૂપાંતર
કર્કરડુમાના CBD ગ્રાઉન્ડમાં રામલીલાનું આયોજન કરનાર શ્રી હનુમંત ધાર્મિક રામલીલા સમિતિના મહાસચિવ લલિત ગોયલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન માહિતી આપી છે કે 1 ઓક્ટોબર, 2022ના રોજ ધનુષ ભંગથી લઈને સીતા સ્વયંવરપ્રસંગ સુધી તેનું મંચન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા અભિનય કરતા જોવા મળશે. આ કાર્યક્રમ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.
કેવી છે આ રામલીલા નાટકની તૈયારી ?
પ્રાપ્ત માહિતી અનુસાર, લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં શ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા રામલીલાના મંચન માટે ત્રણ માળનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સમિતિના મહાસચિવ ધીરજધર ગુપ્તા અને મંત્રી પ્રદીપ શરણે જણાવ્યું કે રામલીલા સમિતિ આ વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે. લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પંડાલમાં પ્રવેશવા માટે શતાબ્દી દ્વાર, વાલ્મિકી દ્વાર, તુલસી દ્વાર અને રામ દ્વાર એમ ચાર દરવાજા બનાવવામાં આવ્યા છે.
રામાયણમાં હતા તેવા જ દ્રશ્યો જોવા મળશે
ઉલ્લેખનીય છે કે સીરિયલ રામાયણની એક ઝલક સ્ટેજિંગમાં જોવા મળશે. સ્ટેજ દરમિયાન, જ્યારે રાવણ લક્ષ્મણ રેખાને પાર કરશે ત્યારે અગ્નિ પ્રગટાવવામાં આવશે. રાવણ-જટાયુ, રામ-રાવણ, લક્ષ્મણ-મેઘનાથ વચ્ચે હવાઈ યુદ્ધ થશે. હનુમાન દ્વારા લંકા બાળવા ઉપરાંત લક્ષ્મણ ઘાયલ થાય તો સંજીવની બુટી પણ હવાઈ માર્ગે લાવવામાં આવશે.