કડી છત્રાલ રોડ પર માર્ગ અકસ્માતમાં યુવકનું મોત પરિવારે દીકરાની આંખો દાન કરી


મહેસાણાઃ કડી તાલુકામાં આવેલા છત્રાલ રોડ પર બાઈક અને પીક અપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યાં પરિવાર દ્વારા મૃતક દીકરાની આંખો દાન કરી પ્રેરણારૂપ બન્યા હતા. બાદમાં પરિવાર અકસ્માત સર્જી ફરાર થનાર ગાડીચાલક વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
કડી કરણનગર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો સાવન પ્રજાપતિ પોતાનું બુલેટ બાઈક લઈને નોકરીથી ઘરે પરત આવતો હતો. એ દરમિયાન છત્રાલ રોડ પર આવેલ વેર હાઉસ નજીક સાંજના સમયે GJ 02 Z 2285ના પીક અપ ડાલા ચાલકે બાઈકને પાછળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે પરિવારને જાણ થતાં પરિવાર પણ ઘટનાસ્થળે દોડી આવી યુવકને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવાર દ્વારા યુવકની આંખોનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ અકસ્માત સર્જી ફરાર થયેલ ડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.