છોટા ઉદેપુરમાં આખી બોગસ સરકારી કચેરી જ ઉભી કરી લેવાઈ !
રાજ્યમાં અત્યાર સુધી પીએમઓ તેમજ સીએમઓ સહિતની કચેરીઓના ખોટા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ સામે આવતા હતા પરંતુ આજે એક એવી હકીકત સામે આવી છે જે સૌ કોઈને ચોંકાવી શકે છે. કારણ કે, છોટા ઉદેપુરમાં આખી સરકારી ઓફિસ જ ખોટી ઊભી કરવામાં આવી અને લગભગ 100 જેટલા કામો બહાર પાડી સરકારને રુ. 4.15 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
કેવી રીતે આખું કૌભાંડ આવ્યું સામે ?
મળતી માહિતી અનુસાર, ગત તા. 25/10ના રોજ છોટા ઉદેપુરની પ્રાયોજના કચેરી ખાતે ડી-સેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ રાખી હતી. જેમાં દરેક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ મિટિંગમાં બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની રૂ. 3.74 કરોડની દરખાસ્ત આવેલી હતી પરંતુ મિટિંગમાં હાજર કાર્યપાલક ઈજનેરે આવી દરખાસ્ત કરી નહી હોવાનું તથા તેમની કચેરીની કોઈ ઓફીસ બોડેલીમાં નહી આવેલી હોવાનો ખુલાસો કરતા આ ગેરરિતિ સામે આવી હતી.
કુલ 93 કામોમાં રૂ.4.15 કરોડના કૌભાંડને અંજામ અપાયો
આ મામલે તપાસ કરતા અગાઉ વર્ષ 2021-22માં જુદી-જુદી યોજના અને પ્રોજેક્ટના 40 કામો કામોના કુલ રૂ. 1.97 કરોડની ગ્રાન્ટ મંજુર થયેલી. તેમજ વર્ષ 2022-23માં જુદી-જુદી યોજના અને પ્રોજેક્ટના કુલ 53 કામોની રૂ. 2.18 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. આમ તા. 26/07/2021 થી અત્યારસુધી કુલ 93 કામોનાં રૂ 4,15,54915/- કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. કાર્યપાલક ઈજનેર, સિંચાઈ પ્રોજેક્ટ ડીવીઝન બોડેલી નામની કચેરીના સહી સિક્કા સાથેની સંદીપ રાજપૂત નામના શખ્સે ખોટી સરકારી કચેરી ઉભી કરી અને પોતે કાર્યપાલક ઈજનેર હોવાની ઓળખ આપી ખોટા સહી-સિક્કા અને દસ્તાવેજોના આધારે રૂ. 4.15 કરોડની છેતરપિંડી આચરી સરકારને ચુનો ચોપડ્યો હતો.
વહીવટદારે નોંધાવી પોલીસ ફરિયાદ
આ મામલે છોટા ઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરીના જુનિયર ક્લાર્કે સંદીપ રાજપૂત સામે છોટા ઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પૂછપરછમાં વધુ કેટલાય ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. હાલ સુધી જે ખોટી ઓફિસ આરોપીઓની બોડેલી ખાતે બતાવવામાં આવી છે, તેની કોઈ પણ માહિતી સામે આવી રહી નથી એટલે કે ઓફિસ પણ કદાચ કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. તેમજ કેવી રીતે તેમને આ કરતૂતને અંજામ આપ્યો તે પણ પોલીસ માહિતી એકત્ર કરી રહ્યું છે.