વર્લ્ડ

નેપાળની પ્રચંડ સરકાર આ તારીખ સુધીમાં સત્તા વિહોણી બનશે ! કોંગ્રેસે કર્યો દાવો

નેપાળમાં સત્તાધારી ગઠબંધનના બે સૌથી મોટા પક્ષ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારોને લઈને વિવાદ વધતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાતુ જોવા મળી રહ્યું છે. દરમિયાન પીએમ પુષ્પ કમલ દહલની સરકાર પડી ભાંગવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. આ અંગે વિપક્ષી નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ 22 ફેબ્રુઆરી સુધીમાં ‘પ્રચંડ’ સરકાર પડી જશે તેવું નિવેદન કરીને ચાલી રહેલી અટકળોમાં વધારો કર્યો છે.

શા માટે ચાલી રહ્યો છે નેપાળમાં કકળાટ ?

હાલમાં નેપાળમાં ચાલી રહેલા કકળાટની મળતી માહિતી મુજબ, નેપાળમાં દહલની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (માઓઈસ્ટ સેન્ટર) અને પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (યુએમએલ) વચ્ચે આગામી રાષ્ટ્રપતિના નામ અંગે સતત મતભેદ જોવા મળી રહ્યો છે. કારણ કે, ગત 25 ડિસેમ્બરે નવું સત્તાધારી ગઠબંધન બન્યું હતું, ત્યારે રાષ્ટ્રપતિ યુએમએલનો જ હોવાનો નિર્ણય કરાયો હતો.

વર્તમાન સરકાર પડી ભાંગવાનું નક્કી : મહાસચિવ ગગન થાપા

હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ પુષ્પ કમલ દહલ સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદથી તેમના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. થાપાએ નેપાળી કોંગ્રેસની બેઠકમાં કહ્યું હતું કે, ગત 25મી ડિસેમ્બરે થયેલો કરાર આગામી 23મી ફેબ્રુઆરીએ તૂટી જશે. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર જનાદેશનું ઉલ્લંઘન કરીને બની છે અને તેનું તૂટવાનું નક્કી છે. ગગન થાપાએ એવો પણ દાવો કર્યો હતો કે, વર્તમાન સત્તાધારી ગઠબંધનના પતન બાદ નેપાળી કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું જૂનું ગઠબંધન ફરી સત્તામાં આવશે, જેના ભાગરૂપે માઓઈસ્ટ સેન્ટર સામાન્ય ચૂંટણી લડ્યું હતું.

પીએમ દહલ ઓલી સાથે ટકી રહેશે તો બધુ ગુમાવશે : શંકર તિવારી

મહત્વનું છે કે, થાપાના નજીકના એક નેતાએ કાઠમંડુ પોસ્ટ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ગગન થાપા ક્યારે સામાન્ય વાતો કરતા નથી. નેપાળી કોંગ્રેસના અન્ય એક નેતા શંકર તિવારીએ કહ્યું કે, દહલ 5 વર્ષ સુધી પીએમ રહેવા માંગે છે, પરંતુ જો તેઓ પૂર્વ પીએમ ઓલી સાથે ટકીને રહેશે તો તેમની પાર્ટી અઢી વર્ષમાં બધું જ ગુમાવી દેશે. દહલ ઓલી સાથે રહેશે તો માઓઈસ્ટ સેન્ટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં UML ઉમેદવારની વિરુદ્ધમાં વોટીંગ કરશે અને તેની સાથે વર્તમાન ગઠબંધન તૂટી જશે.

આવતા મહિને યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આગામી 9મી માર્ચે મતદાન યોજાશે. હવે દાવેદારો માટે ઉમેદવારી પત્રો ભરવા માત્ર નવ દિવસ છે, જેને કારણે નેપાળના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન માઓઈસ્ટ સેન્ટર અને યુએમએલ પોતપોતાની માંગને વળગી રહેતા તમામ પ્રકારની અટકળોને વેગ મળી રહ્યો છે.

Back to top button