નેશનલ

ભારત જોડો યાત્રા સમાપન પણ વિપક્ષની એકતા સામે સૌથી મોટો પ્રશ્નાર્થ !

Text To Speech

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે અંતિમ દિવસ સાથે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં સમાપ્ત થશે. છેલ્લા પાંચ મહિના પહેલા શરૂ થયેલી આ યાત્રામાં રાહુલ ગાંધી 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધી લગભગ 4000 કિલોમીટર ચાલ્યા છે. જેમાં ગઈકાલે રાહુલ ગાંધીએ ઐતિહાસિક લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો અને જમ્મુ પ્રજાને એકતાનો સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ છે.

આજે અંતિમ દિવસે યાત્રાના સમાપન કાર્યક્રમમાં વિપક્ષના ઘણા નેતાઓ ભાગ લઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 23 રાજકીય પક્ષોના પ્રમુખોને પત્ર લખીને ભારત જોડો યાત્રાની સમાપન રેલીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જો કે બસપા સુપ્રીમો માયાવતી, સપાના વડા અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરી અને જેડીયુ પ્રમુખ લલન સિંહ જેવા નેતાઓએ રેલીમાં ભાગ લેવાનો પહેલેથી જ મનાઈ કરી હતી.

તેમજ UPAના ઘટક પક્ષોના નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ આવવાના નથી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલા જ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિપક્ષના મોટા નામોને બોલાવીને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષમાં સામેલ થવાના અભિયાનને શું મોટો ઝટકો લાગ્યો છે?

આ પણ વાંચો : Budget-2023 : શું તમે દેશના બજેટની આ વાતો જાણો છો ? તમારું પણ નોલેજ વધારો

આ તરફ શ્રીનગરમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમારી પાર્ટીએ બધાને આમંત્રણ આપ્યું છે. જે લોકો મોદીજી સામે લડવા માગે છે તેમને એકત્ર થવું જોઈએ. મમતાજીને પૂછો કે મમતાજી કેમ નથી આવી રહ્યા. કોઈ દલાલી કરતું હોય, એવું બની શકે. તેમણે કહ્યું કે આ યાત્રાને લઈને દેશના ખૂણે-ખૂણે ચર્ચા થઈ રહી છે. રાહુલજીએ કહ્યું હતું કે નફરતને બાજુ પર રાખીને ભારતે એક થવું જોઈએ, આ વાત લોકોના દિલને સ્પર્શી ગઈ છે

Back to top button