ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે હવે રાજકીય નેતાઓથી લઈને આમ જનતાને ચૂંટણી ક્યારે યોજાશે, કેટલા તબક્કામાં યોજાશે, પરિણામે ક્યારે થશે તે તમામ વાતની ભારે ઉત્કંઠા છે. ત્યારે આ વચ્ચે ભારતના મુખ્ય ટૂંચણી પંચના ગુજરાત સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીએ જિલ્લા સ્તરે ચૂંટણીની આખરી તૈયારીની સમીક્ષા શરૂ કરી દીધી છે. આ કડીમાં ડેપ્યુટી ઈલેકશન કમિશનર હ્રદયેશકુમાર 16 ઓક્ટોબરથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં રહેશે તેવી માહિતી સૂત્ર દ્વારા મળી છે. અને 20 ઓક્ટોબર પછી ગમે ત્યારે 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.
તો અન્ય એક સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલી નવેમ્બરે જાહેર થવાની શક્યતા વધુ છે. ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો છેક 31 ઓક્ટોબર સુધી ગોઠવાયેલા હોવાથી ચૂંટણી તે પછી જ જાહેર થશે તેવું સરકારનાં સૂત્રો જણાવે છે.
આ ઉપરાંત વર્ષ 2017ની ચૂંટણીની જાહેરાત 25 ઓક્ટોબરે થઈ હતી. જો કે તે વખતે દિવાળી અને બેસતું વર્ષ જેવા તહેવાર પૂર્ણ થઈ ગયા હતા. પરંતુ આ વખતે દિવાળી 24મીએ છે અને ગુજરાતી નવું વર્ષ 26મીએ આથી તહેવાર પૂર્વે ચૂંટણી જાહેર થાય તેવી સ્થિતિમાં આચારસંહિતાનો અમલ કરવો મુશ્કેલ બની શકે છે. ત્યારે નવેમ્બરમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે શક્યતા વધુ પ્રબળ છે.
આ ઉપરાંત સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતની ચૂંટણી છેલ્લા કેટલાક સમયથી બે તબક્કામાં યોજાતી હતી તેને સ્થાને માત્ર એક જ તબક્કામાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં થઈ જાય અને પરિણામ જાહેર થઈ જાય તેવી સંભાવના છે.
ચૂંટણી અધિકારી ગુજરાતમાં પાંચ દિવસ રોકાશે
ગુજરાતની ચૂંટણી કોઈ પણ જાતના વિધ્ન વગર પાર પડે તેમજ અન્ય કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ચૂંટણી અધિકારી હ્રદયેશકુમાર 16થી 20 ઓક્ટબર એમ પાંચ દિવસ ગુજરાતમાં રોકાશે. આ દરમિયાન ચૂંટણીની આખરી તૈયારીઓ, મતદાન મથકો, સંચાલન સ્ટાફની વ્યવસ્થા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી શકે તેની સમીક્ષા કરશે. પાંચ દિવસ સુધી ગુજરાતના ચારેય ઝોનમાં જિલ્લા સ્તરે વહિવટી તંત્ર સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીઓનું રુબરુ નિરીક્ષણ પણ કરશે.
નવેમ્બરમાં ચૂંટણી જાહેર થવાના તર્ક
રાજ્ય સરકારનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર આ મહિના દરમિયાન મોટા જાહેર કાર્યક્રમો યોજવા જઈ રહી છે. દિવાળીના તહેવારોના એક અંતરાલ બાદ સરકાર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં વડાપ્રધાનના પ્રવાસ સહિતના લોકાર્પણ કાર્યક્રમો કરી રહી છે.
ઉપરાંત 31મી ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક મોટો જાહેર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આચારસંહિતા લાગુ થઈ જાય તો આ કાર્યક્રમો જાહેરને બદલે રાજકીય રીતે કરવા પડે તે સ્થિતિનું નિર્માણ ન થાય તે જોતાં ચૂંટણી નવેમ્બરમાં જ જાહેર થાય તેવી શક્યતા વધુ છે.