ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે EC તૈયાર, બે દિવસના પ્રવાસે
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. જેમાં ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણીની તૈયારીઓની ચૂંટણી પંચ સમીક્ષા કરશે. તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ મુલાકાત લેશે.
અમદાવાદમાં યોજાશે બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ ગુજરાતના વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓને મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણી લક્ષી બેઠક કરશે.
- ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે
- ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે
- મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર મુલાકાત કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ તૈયાર
ગુજરાતના તમામ જિલ્લાઓના કલેકટર અને પોલીસ વડાઓ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્યો મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સાથે જ જે તે જીલ્લાના કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે.