ચૂંટણીપંચે AAP મંત્રી આતિશીને પાઠવી નોટિસ, ભાજપમાં જોડાવાના નિવેદન પર જવાબ માંગ્યો
- નોટિસના દરેક ફકરાનો જવાબ લેખિતમાં આપવામાં આવે: ચૂંટણીપંચ
નવી દિલ્હી, 5 એપ્રિલ: દિલ્હી સરકારમાં મંત્રી રહેલા આતિશી સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂંટણીપંચે ભાજપમાં જોડાવા માટે ધમકીઓ મળવાના આરોપોની નોંધ લીધી છે અને આતિશીને નોટિસ મોકલી છે. આતિશીએ સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે. ચૂંટણીપંચે કહ્યું છે કે, “નોટિસના દરેક ફકરાનો જવાબ લેખિતમાં આપવામાં આવે.” આ પહેલા ભાજપે પણ આતિશીને નોટિસ મોકલીને કહ્યું હતું કે, પાર્ટીમાં જોડાવાની ઓફર કોના તરફથી મળી છે તે જણાવવામાં આવે. ભાજપે કહ્યું હતું કે, જો સત્ય બહાર નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા આતિશી સિંહ-માર્લેનાએ આરોપ લગાવ્યો હતો કે, તેમને ભાજપમાં જોડાવાની ઓફર અને ધમકી બંને મળી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આગામી 2 મહિનામાં 4 AAP નેતાઓની ધરપકડ થવાની છે. આતિશીના કહેવા પ્રમાણે, તેના પછી સૌરભ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરવામાં આવશે.
ભાજપમાં જોડાઓ અથવા જેલમાં જાઓ: આતિશી સિંહ
દિલ્હી સરકારના મંત્રી આતિશી સિંહે 2 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘મારા ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મને કહેવામાં આવ્યું કે કાં તો ભાજપમાં જોડાઈ જાવ અને તમારી રાજકીય કારકિર્દી બચાવો. જો હું ભાજપમાં નહીં જોડાઉં તો આવતા મહિનામાં મારી ધરપકડ કરવામાં આવશે આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના કેટલાક વધુ નેતાઓની ધરપકડ થઈ શકે છે. વડાપ્રધાન અને ભાજપે પોતાનું મન બનાવી લીધું છે. તેઓ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને કચડી નાખવા માંગે છે, તેઓ અમને ખતમ કરવા માંગે છે.”
આતિશીએ વધુમાં કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ કસ્ટડીમાં છે. પરંતુ રવિવારે રામલીલા મેદાનમાં લાખો લોકોના આગમન અને રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના સંઘર્ષ બાદ ભાજપ આવનારા સમયમાં અમારા ચાર મોટા નેતાઓને જેલમાં ધકેલી દેશે. આગામી દિવસોમાં મારા અંગત નિવાસસ્થાને EDના દરોડા પાડવામાં આવશે. મારા સંબંધીઓ અને પરિવારના સભ્યોના ઘરે પણ દરોડા પાડવામાં આવશે. અમને બધાને સમન્સ મોકલવામાં આવશે અને પછી અમારી ધરપકડ કરવામાં આવશે.
ભાજપે આતિશીને કાનૂની નોટિસ પણ મોકલી હતી
આતિશીની પ્રેસ કોન્ફરન્સના બીજા દિવસે 3 એપ્રિલે બીજેપીએ તેમને લીગલ નોટિસ પણ મોકલી હતી. દિલ્હી ભાજપના મીડિયા વિભાગ દ્વારા આતિશીને માનહાનિની નોટિસ આપવામાં આવી છે. ભાજપે કહ્યું છે કે, તેમણે પાર્ટી કાર્યકર્તાઓના સન્માનને ઠેસ પહોંચાડી છે. ભારતીય જનતા પાર્ટીએ નોટિસમાં કહ્યું છે કે, તમારો કોણે સંપર્ક કર્યો, જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો કૃપા કરીને તેને સબમિટ કરો. એ પણ પૂછવામાં આવ્યું કે, તમારો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો કે રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો ? તે પણ જણાવો.
આ પણ જુઓ: ભગતસિંહ અને આંબેડકરના ફોટાની વચ્ચે કેજરીવાલનો ફોટો લગાવતા વિવાદ