નવી દિલ્હીઃ રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી 10 જૂને કરાવવાનો નિર્ણય ચૂંટણી પંચે કર્યો છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, રાજ્યસભાની 57 બેઠકો પર 10 જૂને સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
રાજ્યસભાની 57 બેઠકોમાં સૌથી વધુ 11 સીટો ઉત્તર પ્રદેશથી ખાલી થઈ રહી છે. તેની સાથે મહારાષ્ટ્રની 6, આંધ્રપ્રદેશની 4 સીટ, તેલંગાણાની 2 સીટ, છત્તીસગઢની 2 સીટ, મધ્ય પ્રદેશની 3, તમિલનાડુની 6, કર્ણાટકની 4 સીટ, ઓડિશાની 3, પંજાબની 2, રાજસ્થાનની 4, ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 સીટ પર મતદાન થશે. અત્યારે રાજ્યસભામાં ભાજપ 95 સાંસદોની સંખ્યા ધરાવે છે. આગામી 10 જુનની ચૂંટણી બાદ ભાજપની સંખ્યા વધીને 100ને પાર પહોંચી શકે છે.
તાજેતરમાં ચાર રાજ્યોમાં મળેલી જીતને કારણે રાજ્યસભામાં ભાજપની સંખ્યા 95થી વધીને 100 થઈ જશે તે નક્કી છે. કોંગ્રેસને એક પણ રાજ્યમાં જીત નથી જેના કારણે તેની સભ્યસંખ્યા ઘટી જશે, તો દિલ્હી-પંજાબમાં ભવ્ય વિજય મેળવેલ આમ આદમી પાર્ટી અને તમિલનાડુની ડીએમેકે આ વખતની ચૂંટણીમાં મોટા ફાયદામાં રહે તેમ છે.