રાજકોટના કુવાડવામાં વહેલી સવારે સ્ત્રીવેશમાં તસ્કર આવ્યાં હોવાની ચર્ચા, CCTV જાહેર થયા
રાજકોટઃ શહેર નજીક કુવાડવામાં વહેલી સવારે સ્ત્રીના કપડાં પહેરી તસ્કર આવ્યાનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે. આ ઘટનાના દાવા સાથેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક શંકાસ્પદ કાર દેખાઈ રહી છે. વહેલી સવારે મંદિરે દર્શને ગયેલા માજી મહિલા સરપંચ જોઈ જતા પડકારો કરતા શંકાસ્પદ વ્યક્તિ કારમાં નાસી છૂટ્યો હતો. કુવાડવામાં અગાઉ પણ એક જ રાતમાં ત્રણ-ચાર દુકાનોના તાળા તૂટ્યાં હોવાની ઘટના બની હતી.
આ મામલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે રમેશભાઈ ઢોલરીયા, માજી સરપંચના ઘર પાસે સ્ત્રીના કપડાં પહેરીને કોઈ પુરુષ જેવી દેખાતી વ્યક્તિ સ્વિફ્ટ કારમાં આવી હતી અને મહાદેવના મંદિરમાં ઘુસી હતી. ત્યાં એક વૃદ્ધા મંદિરે દર્શન કરતાં હતાં તેને આ વ્યક્તિએ જય શ્રી કૃષ્ણ પણ કહ્યું હતું. આ વ્યક્તિને જોઈ તે વૃદ્ધ મહિલા ડરી ગયા હતા.
ત્યાં જ માજી સરપંચ નીમુબેન રમેશભાઈ ઢોલરિયા પણ મંદિર તરફ આવી રહ્યા હતા. તેમણે આ વ્યક્તિને જોઈ જોરથી પડકારો કર્યો હતો. દેકારો થતા સ્ત્રીના કપડાં પહેરી આવેલો પુરુષ દોડતો પોતાની સ્વિફ્ટ કાર લઈ નાસી ગયો હતો. આ અંગે ભાજપ અગ્રણી કાળુભાઇ મહેતાએ માહિતી આપી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી હતી.