‘આફત દિલ્હીમાં નહીં, બીજેપીમાં છે’ PM મોદીના આરોપો પર કેજરીવાલનો પલટવાર
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને બહુ દિવસો બાકી નથી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ભાજપ પર આક્રમક વલણ અપનાવી રહ્યા છે. દિલ્હીમાં સત્તાધારી AAP અને વિપક્ષ ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને બંને પક્ષોના અગ્રણી નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં પીએમ મોદીના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આપત્તિ દિલ્હીમાં નહીં, પરંતુ ભાજપમાં છે.
प्रधानमंत्री जी ने आज दिल्ली के लोगों को ख़ूब गालियाँ दीं। प्रधानमंत्री जी, दिल्ली के लोगों का जवाब भी सुनिए- https://t.co/sCNSwi0Rxv
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 3, 2025
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના આરોપોનો જવાબ આપ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં કોઈ કામ કર્યું નથી. દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી રહી છે. ભાજપમાં આફત આવી છે. પહેલી આફત ભાજપમાં દિલ્હીના CMનો કોઈ ચહેરો નથી. બીજી આફત એ છે કે, ભાજપ પાસે કોઈ નેરેટિવ નથી. દિલ્હીમાં પણ આફત આવી છે અને તે લોકોની સુરક્ષાને લઈને છે.
કેજરીવાલે કહ્યું કે, આજે વડાપ્રધાન દિલ્હી આવ્યા હતા અને 43 મિનિટનું ભાષણ આપ્યું હતું. 39 મિનિટ સુધી તેમણે મજબૂત બહુમતી સાથે રચાયેલી દિલ્હી સરકારનો અપશબ્દો કહ્યા. દિલ્હી સરકારે દસ વર્ષમાં કેટલું કામ કર્યું છે તે જણાવવામાં મને બે-ત્રણ કલાક લાગશે, પરંતુ ભાજપે એવું કંઈ કર્યું નથી જે આજે વડાપ્રધાન કહી શક્યા હોય.
આ લોકો ગરીબોના દુશ્મન છે: કેજરીવાલ
પૂર્વ સીએમએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ઝૂંપડપટ્ટીઓ તોડીને લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા. આ લોકો ગરીબોના દુશ્મન છે. કાલકાજીમાં બનેલા ઘર નર્કથી ઓછા નથી. વડાપ્રધાને આજે ત્રણ કોલેજનો શિલાન્યાસ કર્યો. કેજરીવાલે પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું કે, દસ વર્ષ લાગ્યા તમને ત્રણ કોલેજનો પાયો નાખવામાં? જે કામ કરે છે તેને અપશબ્દો કહેવા પડતાં નથી, જે કામ નથી કરતું તેને અપશબ્દો કહેવા પડે છે.
પીએમ મોદીએ શું કહ્યું?
મહત્ત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને દિલ્હી માટે ‘આપત્તિ’ ગણાવી હતી અને કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં કેટલાક ‘કટ્ટર બેઈમાન’ લોકોએ રાષ્ટ્રીય રાજધાનીને ‘આપ-DA’માં ધકેલી દીધી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આવાસ અને શિક્ષણ સહિત વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પછી સભાને સંબોધતા, PM મોદીએ AAPની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, જો તેનું શાસન ચાલુ રહેશે તો રાષ્ટ્રીય રાજધાનીની સ્થિતિ ‘બદતર’ થઈ જશે.
AAP સરકાર પર શાળા શિક્ષણ, પ્રદૂષણ સામેની લડાઈ અને દારૂના વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક તરફ કેન્દ્ર સરકાર રાજધાનીના લોકોનું જીવન સરળ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, જ્યારે બીજી તરફ દિલ્હીના વિકાસના વચનો સાથે સત્તામાં આવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે ‘આપ-DA’ બનીને દિલ્હી પર હુમલો કર્યો છે. આગામી મહિને રાજધાનીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને કહ્યું કે, દિલ્હીએ આ ‘આપ-DA’ સામે યુદ્ધ છેડ્યું છે અને તેનાથી છૂટકારો મેળવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ જૂઓ: અમિત શાહના નિવેદન બાદ કાશ્મીરના નામ અંગે જાગ્યો ફરી વિવાદઃ જાણો ઇતિહાસ