કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની વિદેશી ગેરકાયદેસર સિગારેટ ઝડપાઈ
ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે સિગારેટ, અને ઈ-સિગારેટ પણ પકડાઈ રહી છે. મુન્દ્રા પોર્ટમાં વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો ઝડપી લેવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુન્દ્રા બંદરેથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું છે. ત્યારે ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ,ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે.
85,50,000ની વિદેશી બ્રાન્ડેડ સિગારેટ જપ્ત કરવામાં આવી
DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો. 11 ઓકટોબરના રોજ કન્ટેનરની તપાસમાં “માન્ચેસ્ટર” બ્રાન્ડની વિદેશી બ્રાન્ડની સિગારેટના 850 બોક્સ મળી આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર, રૂ. 17 કરોડની કિંમતની કુલ 85,50,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હજી ચાલુ છે.
ચાલુ વર્ષે સિગારેટ,ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી
ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ,ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. ત્યારે આ કાર્યવાહીની સાથે કુલ કિંમત 100 કરોડની કિંમત ઉપરાંતનો ગેરકાયદેસર સીગારેટને ઝડપી પાડવામાં આવી છે. એપ્રિલ 22માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ થઈ હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી.
આ પણ વાંચો: ટેક્ષટાઈલ સુરક્ષા સેતુ એપ’ કાપડ વેપારીઓનો મિત્ર બનશે, હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ