વિજયાદશમી પર ‘ગદર’ના ડિરેક્ટરે ફિલ્મ ‘વનવાસ’ની કરી જાહેરાત, કેવી હશે સ્ટોરી? જાણો
- ‘વનવાસ’ની પહેલી ઝલક પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે
મુંબઈ, 12 ઓકટોબર: ‘ગદર 2’ની અપાર સફળતા બાદ નિર્દેશક અનિલ શર્માએ આજે વિજયાદશમીના દિવસે પોતાની આગામી ફિલ્મ ‘વનવાસ’ની જાહેરાત કરી દીધી છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘વનવાસ’ની પહેલી ઝલક પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ ફિલ્મની જાહેરાત કરતી વખતે અનિલ શર્માએ બધાને દશેરાની શુભેચ્છા પાઠવી છે. ખાસ વાત એ છે કે, આજે શનિવારે પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તમને ફિલ્મની સ્ટોરીનો પ્રિવ્યૂ પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી કલયુગની રામાયણ પર આધારિત છે.
જૂઓ પહેલી ઝલક
દશેરા પર નવી ફિલ્મની જાહેરાત
અનિલ શર્માએ ‘અપને હી અપનો કો દેતે હૈઃ વનવાસ’ ની પ્રથમ ઝલક આપતાં એક વીડિયો સાથે જાહેરાત કરી હતી, જેમાં કેટલાક ખૂબ જ સુંદર અને તમને દંગ કરી દે તેવા દ્રશ્યો છે. વીડિયોમાં રામ રામ ગીત પણ સંભળાય છે જે આપણને તેની દિવ્ય દુનિયામાં લઈ જવા માટે પર્યાપ્ત છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, ‘પરિવાર માટે એક પારિવારિક ફિલ્મ #Vanvaas. આપ સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ.
શું હશે વનવાસની સ્ટોરી?
ફિલ્મ ‘વનવાસ’ની જાહેરાત કરતી પોસ્ટમાં અનિલ શર્માએ કલાકારોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, ખુશ્બુ સુંદર અને રાજપાલ યાદવનો સમાવેશ થાય છે. તેઓ ફરી એકવાર મલ્ટિસ્ટાર ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. ‘વનવાસ’ વિશે વાત કરતાં ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે, ‘રામાયણ અને વનવાસ એક જ સ્ટોરીનું અલગ સ્વરૂપ છે જ્યાં બાળકો તેમના માતા-પિતાને વનવાસ કરાવે છે. કલયુગની રામાયણ જ્યાં પોતાના જ પોતાના લોકોને આપે છે વનવાસ.’
વનવાસ ક્યારે રિલીઝ થશે?
અનિલ શર્માએ ‘ગદર: એક પ્રેમ કથા’ (2001), ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાય’ (2003), ‘અપને’ (2007), અને ‘ગદર 2’ (2023) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અનિલ શર્મા દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત ‘વનવાસ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હજી સુધી કોઈ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પણ જૂઓ: અમિતાભ બચ્ચન અને રજનીકાંતની ફિલ્મ ‘વેટ્ટૈયન’ની દુનિયભરમાં ધૂમ, કરી કરોડો કમાણી