નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીથી શરૂ થયેલા દેવમોગરા મેળાનું સમાપન


રાજપીપળા, 1 માર્ચ, 2025:– આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યમપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. મહા શિવરાત્રીથી પ્રારંભાયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવન ભૂમિ પર પધારીને પાંડોરી માતાના દર્શન કર્યા હતા.
નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું. પોલીસ વિભાગ રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભું કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી.
આકસ્મિક ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબુમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પુરતી વ્યવસ્થા ગોઠવી હતી. શ્રી મોમાઈ દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાતદિવસ મેળાના સુચારું આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ઉપરાંત, દેવમોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ૪૦૦ સ્વયંસેવકોએ મોબિલાઈઝેશન કર્યું હતું.
નર્મદા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારના માર્ગદર્શન હેઠળ મહિસાગર જિલ્લાના કલાકારો દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓને લોકડાયરાના માધ્યમથી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. ઉપરાંત, કર્મયોગીઓ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ, સિદ્ધિઓ-ઉપલબ્ધીઓનો પરિચય કરાવતું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બરેલીમાં બસ ટ્રોલી સાથે અથડાઈ, બે ગુજરાતીનાં મૃત્યુ