જયંત ચૌધરીના જવાથી અમને કોઈ ફેર નહીં પડે, સપાની સાફ વાત
- ઉત્તર પ્રદેશમાં આરએલડી કરશે એનડીએ સાથે ગઠબંધન
- ગઠબંધનથી ભાજપને પશ્ચિમ યુપીમાં થશે ફાયદો
ઉત્તર પ્રદેશ, 10 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશમાં ઈન્ડી ગઠબંધનને વધુ એક આંચકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળ એનડીએ સાથે જશે તે નિશ્ચિત છે. પાર્ટી ચીફ જયંત ચૌધરીના તાજેતરના નિવેદનો પરથી સમજી શકાય છે કે યુપીમાં આરએલડી-ભાજપનું ગઠબંધન લગભગ નિશ્ચિત છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ અને પીએમ મોદીના વખાણ કર્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું આરએલડી આગામી લોકસભાની ચૂંટણી ભાજપના નેતૃત્વમાં એનડીએ સાથે લડશે? જેના પર જયંત ચૌધરીએ કહ્યું કે, ‘હવે કયા મોઢે ના પાડીશ?’
જયંત ચૌધરીના NDAમાં સામેલ થવા પર રામ ગોપાલ યાદવે કહ્યું…
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે બાગપત અને બિજનૌર લોકસભા સીટ અને એક રાજ્યસભા સીટ આરએલડીને આપવાનું વચન આપ્યું છે. જ્યારે એક ન્યૂઝ એજન્સીએ સપા નેતા રામ ગોપાલ યાદવને પૂછ્યું કે, જયંતના જવાથી તમને આંચકો લાગ્યો છે? આના જવાબમાં તેમણે કહ્યું કે, ‘ન તો અમને આંચકો લાગ્યો છે અને ન તો લાગશે’. અગાઉ ગઈકાલે તેમણે કહ્યું હતું કે, ‘કોણ ક્યાં જઈ રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ચૂંટણી સમયે કોઈ આવે અને જાય, એમાં કોઈ ફરક પડતો નથી. શિવપાલ યાદવે કહ્યું, ‘હું જયંત અને તેના પિતાને સારી રીતે ઓળખું છું, કારણ કે મેં તેમની સાથે કામ કર્યું છે. મને આશા છે કે જયંત ખેડૂતોની લડાઈને નબળી નહીં પડવા દે.
જયંત ચૌધરીના NDAમાં સામેલ થવા પર સપા પ્રમુખ અખિલેશ યાદવે શું કહ્યું?
સપા પ્રમુખ અખિલેશ યાદવે RLD ભાજપ સાથે હાથ મિલાવવાની અટકળો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘જયંત ખૂબ જ બુદ્ધિશાળી અને શિક્ષિત વ્યક્તિ છે. ખેડૂતોની રાજનીતિ કરે છે, રાજકારણને સમજે છે, મને આશા છે કે તે ખેડૂતો અને યુવાનોની લડાઈને નબળી નહીં પડવા દે.
જયંત ચૌધરીના એનડીએમાં જવાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે ફાયદો
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયના લગભગ 17 ટકા મત છે. પશ્ચિમ યુપીમાં જયંત ચૌધરીની આરએલડીનો પ્રભાવ છે. તેમના સાથે આવવાથી ભાજપને આ વિસ્તારમાં ફાયદો થવાની શક્યતા છે. હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં જે 16 બેઠકો પર ભાજપની હાર થઈ હતી, તેમાંથી 7 બેઠક પશ્ચિમ યુપીની હતી. ભાજપે મુરાદાબાદ વિભાગની તમામ 6 બેઠકો ગુમાવી હતી.
આ પણ વાંચો: હવે હું કયા મોઢે ના પાડું?: NDAમાં સામેલ થવા પર જયંત ચૌધરીની પ્રથમ પ્રતિક્રિયા