અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે 2022-23માં 92.38 ટકા રકમનો ખર્ચ કર્યો

ગાંધીનગર 07 ફેબ્રુઆરી 2024 :  ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા સત્રમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન સામે જવાબ આપતાં કહ્યું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વધુમાં વધુ રકમનો ખર્ચ કરી નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2021-22 માં રૂ. 1502.32 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી અને વર્ષ 2022-23માં રૂ. 334 કરોડના વધારા સાથે રૂ. 1836.83 કરોડની જોગવાઈ કરાઈ હતી, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યદ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

2022-23માં  92.38 ટકા રકમનો ખર્ચ કરવામાં આવ્યો

વધુમાં જણાવતાં તેમેને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં રૂ.1279.88 કરોડ અને વર્ષ 2022-23 માં રૂ. 1591.87 કરોડની ફાળવણી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી આ રકમ પૈકી વર્ષ 2021-22માં 94.71 ટકા અને વર્ષ 2022-23માં  92.38 ટકા રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નવા કડિયા નાકાઓ શરૂ કરવામાં આવ્યા

પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, ગત બે વર્ષમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા કડિયા નાકાઓ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ શ્રમિક પરિવારના બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિકોની આરોગ્ય તપાસ માટે નવા 25 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી હેઠળ 23 પ્રકારના ટૂંકાગાળાના નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.

2022-23માં ITI દ્વારા 1.28 લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા 

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2021-22માં ITI દ્વારા 1.23 લાખથી વધુ તેમજ વર્ષ 2022-23માં 1.28 લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. યુવાનોને નવા કૌશલ્યો વિષયક તાલીમ આપવા માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી અને રાજ્યના ITI ખાતે વિવિધ અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ ડ્રોન ટેકનોલોજી હેઠળ યુવાનોને તાલીમબદ્ધ કરવા તાલીમ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સિદ્ધપુર અને વડનગર ખાતે બનશે એરપોર્ટઃ ગુજરાત સરકાર

Back to top button