દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની અરજીઓ ફગાવી
- ઉચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો
- પ્રબીર પુરકાયસ્થ-અમિત ચક્રવર્તી સાત દિવસોની પોલીસ કસ્ટડીમાં
દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ પ્રબીર પુરકાયસ્થ તેમજ વેબસાઇટના માનવ સંસાધન (HR) હેડ અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા નોંધાયેલા ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA) કેસમાં ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. ઉચ્ચ અદાલતે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીના સાત દિવસોના પોલીસ હિરાસતના ટ્રાયલ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે.
હાઇકોર્ટ દ્વારા અરજીઓને અયોગ્ય ઠેરવવામાં આવી
પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીએ દલીલ કરી હતી કે, તેમની ધરપકડ અને રિમાન્ડ ટકી શકે તેમ નથી કારણ કે ધરપકડ કરવા પાછળના આધારો તેમને ધરપકડ સમયે પૂરા પાડવામાં આવ્યા નથી અને તેમના વકીલોની ગેરહાજરીમાં ટ્રાયલ કોર્ટ દ્વારા યાંત્રિક રીતે રિમાન્ડનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે જણાવ્યું હતું કે, “આ કોર્ટને બંને અરજીઓમાં કોઈ યોગ્યતા જણાતી નથી, તે મુજબ તેને ફગાવી દેવામાં આવે છે.”
ઑક્ટોબર 6ના રોજ, હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની સામેના આરોપો એવા પ્રકારના નથી કે જેમાં તાત્કાલિક રાહત મળી શકે પરંતુ રિમાન્ડ અરજીમાં ધરપકડના આધારો પૂરા પાડવામાં નિષ્ફળતા માટે દિલ્હી પોલીસને પ્રશ્ન કર્યો હતો.
વિવિધ આક્ષેપોને પગલે ધરપકડ ?
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં ન્યૂઝક્લિકને ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચૂકવણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને પગલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ દરોડાઓ બાદ પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા કલાકોની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. 4 ઓક્ટોબરની સવારે તેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, નેવિલ રોય સિંઘમ કે જે કથિત રીતે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના પ્રચાર વિભાગના સક્રિય સભ્ય હતા, તેમણે સંસ્થાઓના જટિલ નેટવર્ક દ્વારા ભંડોળની છેતરપિંડી કરી હતી.
FIRમાં શું જણાવવામાં આવ્યું ?
FIR મુજબ, આરોપીઓએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાનું વિદેશી ભંડોળ મેળવ્યું હતું અને તેને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને સુરક્ષામાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી રાખ્યું હતું. ગુપ્ત માહિતી દર્શાવે છે કે, આ નોંધપાત્ર વિદેશી ભંડોળ ભારતીય અને વિદેશી સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં મોકલવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની આ રકમ ન્યૂઝક્લિકને પાંચ વર્ષના ગાળામાં ગેરકાયદેસર માધ્યમથી મળી હતી.
આ પણ જાણો :‘ઓપરેશન અજય’ હેઠળ ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પહોંચી ભારત