લક્ષદ્વીપ લોકસભાની પેટા ચૂંટણી ઉપર રોક લગાવતું ચૂંટણી કમિશન, કેરળ હાઇકોર્ટના આદેશ બાદ નિર્ણય લેવાયો
ભારતીય ચૂંટણી પંચ (EC) એ લક્ષદ્વીપ સંસદીય બેઠકની પેટાચૂંટણી પર રોક લગાવી દીધી છે. કેરળ હાઈકોર્ટના 25 જાન્યુઆરી, 2023ના આદેશ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. લક્ષદ્વીપના ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ ફૈઝલ પીપીની અરજી પર હાઈકોર્ટ દ્વારા તેમની સજાને સસ્પેન્ડ કરવામાં આવી હતી. અગાઉ, ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણીની સાથે લક્ષદ્વીપ લોકસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. પંચે જાહેરાત કરી હતી કે લક્ષદ્વીપ લોકસભા સીટ માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.
શા માટે પેટા ચૂંટણી યોજાનાર હતી ?
લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની ગેરલાયકાત બાદ આ બેઠક ખાલી પડી હતી. એક ટ્રાયલ કોર્ટે તાજેતરમાં લક્ષદ્વીપના ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ ફૈઝલ અને અન્યને સરકારી શિક્ષકની હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. લક્ષદ્વીપની કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ફૈઝલ અને તેના ભાઈ સહિત ચાર લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભા સચિવાલયે ફૈઝલને અયોગ્ય ઠેરવતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
લક્ષદ્વીપ પ્રશાસન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટીતંત્રે ફૈઝલની સજા પર સ્ટે આપવાના કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આ મામલાની વહેલી સુનાવણીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી આવતા અઠવાડિયે કરવા જણાવ્યું છે.