રાજકોટમાં ચોરીના ગુનામાં પુછપરછમાં લઈ જવાયેલા વૃદ્ધનું મોત, પોલીસ ઉપર માર મારવાનો આરોપ
રાજકોટની ભાગોળે સરધાર ગામે પખવાડિયા પૂર્વે પટેલ ખેડૂતના મકાનમાં રૂ. 16 લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી હતી. આજીડેમ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોય બનાવના બીજા દિવસે ગામમાં રહેતા દેવીપૂજક પ્રૌઢને હોન્ડામાં આવેલા બે પોલીસ કર્મીઓ દ્વારા ઉઠાવી લઇ પોલીસ મથકે લઇ જઇ બેફામ માર મારવામાં આવતા તેઓ આજે સવારે બેભાન થઇ જતાં તેમનું પોલીસના મારથી મોત થયાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા લગાવવામાં આવતા પ્રૌઢના મોતનું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.
બહેનની વાડીએ પ્રૌઢ બેભાન થઈ જતા મોત થયું
મળતી માહિતી મુજબ સરધારનાં ભૂપગઢ રોડ ઉપર રહેતાં ઠાકરશીભાઇ સોલંકી (ઉ.વ.55) આજે સવારે કાળીપાટ ગામે કાળુ મુંધવાની વાડી પાસે આવેલ લાલાઆતાની વાડીમાં રહેતા તેમના બહેન ગીતા રાઠોડને ત્યાં હોય ત્યારે સાતેક વાગ્યાના અરસાએ તેઓ કોઇ કારણોસર બેભાન થઇ ગયા હતા જેથી 108ને બોલાવવામાં આવતા ઇએમટીએ તેમને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમિયાન ઠાકરશીભાઇના મોત મામલે તેમના પરિવારજનોએ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. મૃતકના બહેન ગીતા રાઠોડે જણાવ્યું હતુ કે, અગાઉ સરધારમાં ચોરીનો બનાવ બન્યો હતો જે ઘટનાના બીજા દિવસે એટલે કે, તા. 3-7ના રોજ વહેલી સવારે તેમના ભાઇ ઠાકરશીભાઇ ગામમાં ચા પીવા માટે આવ્યા હોય ત્યારે બે પોલીસકર્મીઓ તેમને બાઇક ઉપર ઉઠાવી પોલીસ મથકે લઇ ગયા હતા જ્યાં ચોરીની કબુલાત માટે તેમને બેફામ માર માર્યો હતો.
દીકરા અને જમાઈને બોલાવી તેઓને પણ મારમાર્યો
બાદમાં ગોંડલ રોડ ઉપર રહેલા તેમના દિકરા ભોલાભાઇ ઠાકરશીભાઇ અને જમાઇ મનોજભાઇ દેલવાડિયાને પણ પોલીસ મથકે બોલાવ્યા હતા ત્યાં પોલીસે ત્રણેયને સાથે માર મારી છોડી મુકયા હતા જે બાદ પાંચેક દિવસથી ઠાકરશીભાઇ કાળીપાટ ગામે હોય આજે સવારે તેઓ બેભાન થઇ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, ઠાકરશીભાઇનું મોત પોલીસના માર મારવાના કારણે થયું છે.
મૃતક ઠાકરશીભાઇ મંદિર ખાતે સફાઇ કામ કરતા
સિવિલ હોસ્પિટલમાં પી.એમ. રૂમ બહાર મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને આ ઘટનામાં પોલીસની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી બનાવનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક ઠાકરશીભાઇ એક ભાઇ અને બે બહેનમાં મોટા હતા. તેઓને સંતાનમાં ચાર દિકરા અને ત્રણ દિકરી છે. ઠાકરશીભાઇ અને તેની પત્ની તોરણિયા ગામે આવેલ મંદિર ખાતે સફાઇ કામ કરતા અને ત્યાં જ રહેતા હતા.