

જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠ ફળી વિસ્તારમાં આજે સાંજના સમયે જર્જરીત મકાનની છત તૂટી પડતાં કાટમાળ હેઠળ દબાઇ ગયેલા પ્રૌઢાનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કાટમાળ હેઠળથી પ્રૌઢાનો મૃતદેહ બહાર કાઢયો હતો.
એક છત તૂટી અને પ્રથમ માળની છત ઉપર પડતા તે છત પણ તૂટી પડીબનાવની વિગત મુજબ, હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે ત્યારે જામનગર શહેરના સેન્ટ્રલ બેંક પાસેના મઠફળી વિસ્તારમાં આજે સાંજે જર્જરીત મકાનની એક છત તૂટી અને પ્રથમ માળની છત ઉપર પડતા તે છત પણ તૂટી પડી હતી. જર્જરીત મકાનની છત તૂટી પડતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા જ કોર્પોરેટર કેતન નાખવા અને ધવલ નંદા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતાં તેમજ ફાયર ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવા જહેમત ઉઠાવી હતી.
ફાયર ટીમે કાટમાળ કાઢ્યો અને અંદરથી મૃતદેહ નીકળ્યો
દરમિયાન આ છતના કાટમાળ હેઠળ એક મહિલા દબાઈ ગઈ હોવાનું જણાતા ફાયર ટીમે કાટમાળ હટાવ્યો હતો અને આ કાટમાળ હેઠળથી સુનિતાબેન પ્રતાપભાઈ પાલા (ઉ.વ.51) નામના પ્રૌઢાનો મૃતદેહ બહાર કાઢયો હતો. પ્રૌઢાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયર ટીમે મૃતદેહ હોસ્પિટલ ખાતે મોકલી આગળની કામગીરી હાથ ધરી હતી.
