દેહરાદૂન, તા.26 ડિસેમ્બર, 2024ઃ ગુજરાતના બે બાળકો બુધવારે સવારે નગર કોટવાલી વિસ્તારમાં ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયા હતા. પોલીસે મરજીવાની મદદથી તેમને નદીમાંથી બહાર કાઢ્યા હતા. હૉસ્પિટલ લઈ જવામાં આવતા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને માતાએ કાળો કલ્પાંત કર્યો હતો.
પોલીસે શું કહ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામના રહેવાસી વિપુલભાઈ પવાર પોતાના પરિવાર સાથે ગંગામાં સ્નાન કરવા હરિદ્વાર આવ્યો હતો. બુધવારે તેઓ પરમાર્થ ઘાટ નજીક સંતમત ઘાટ પર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન, વિપુલભાઈની પુત્રી પ્રત્યુષા (13) અને પુત્ર દર્શ (6) ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. બાળકોને તણાતાં જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. આ પછી, પરિવાર તેમજ ઘાટ પર હાજર ભક્તોએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યા નહીં. બંને પાણીમાં ગાયબ થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. થોડા સમય પછી, બંને બાળકો ઠોકર નંબર-13 નજીક બેભાન અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
હરિદ્વારના એસપી સિટી પંકજ ગૈરોલાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે પરિવાર સ્થળ પર હાજર હતો. બાળકોને ડૂબતા જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેમને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ઘટના બાદ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. માસૂમ બાળકોના અકાળે મૃત્યુથી ઘાટ પર હાજર અન્ય ભક્તોને પણ દુઃખ થયું હતું.
આ પણ વાંચોઃ કેનેડાએ ભારતને આપ્યો મોટો ઝટકો, ઈમીગ્રેશન એન્ટ્રીના નિયમમાં કર્યો મોટો બદલાવ