ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દુનિયાભરમાંથી રોકાણકારો આવે અને લોકોને વધુને વધુ રોજગારી ઉપલબ્ધ થાય તેવા હેતુસર ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. દર બે વર્ષે લગભગ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં યોજાતી સમિટની તારીખમાં આગામી વર્ષે ફેરફાર આવી શકે છે.
ત્રણ સમિતિઓની પણ રચના કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, કોવિડની મહામારીના પાંચ વર્ષ બાદ નવા વર્ષના આરંભે એટલે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન હાથ ધરાશે. વાઈબ્રન્ટ સમિટના આયોજન અને અમલીકરણ માટે રાજય સરકારે કોર કમિટિ, એકિઝકયુટિવ કમિટિ અને એડવાઈઝરી કમિટિ એમ ત્રણ સમિતિઓની પણ રચના કરી નાંખી છે.
સમિટમાં આવનાર વિદેશી મહેમાનો કાઈટ ફેસ્ટિવલ માણે છે
આ સમિટમાં વિશ્વના સંખ્યાબંધ દેશોના રાજદ્વારીઓ, શાસકો, નેતાઓ, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહે છે. તે દ્વિ-વાર્ષિક વાઈબ્રન્ટ સમિટ સામાન્ય રીતે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે ઉત્તરાયણ પહેલાં 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે યોજાતી હોય છે. જે વિદેશી મહાનુભાવો આ સમિટમાં ભાગ લેવા આવે છે. તેઓને અમદાવાદમાં યોજાતા ભવ્ય કાઈટ ફેસ્ટિવલની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે, પરંતુ આગામી વર્ષે યોજાનારી સમિટ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાય એવી શકયતા રહેલી છે.
શા માટે તારીખમાં થઇ શકે છે ફેરફાર ?
વાઈબ્રન્ટ સમિટના આયોજનની તારીખ બદલવા પાછળનું મુખ્ય કારણ છે અયોધ્યા ખાતે બંધાઈ રહેવું ભવ્ય રામ મંદિર, કેમ કે રામ મંદિર આગામી જાન્યુઆરી મહિનામાં ખુલ્લું મૂકાશે એમ ગુજરાત સરકારના એક ટોચના અધિકારીએ કહ્યું હતું. વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવનારા વિદેશી મહાનુભાવોને પણ આ ભવ્ય મંદિરની મુલાકાતે લઈ જવા રાજય સરકાર વિચારી રહી છે એમ અધિકારીએ ઉમેયું હતું.
કોણ છે ત્રણ સમિતિના સભ્યો ?
સમિટ માટે બનાવવામાં આવેલી ત્રણ સમિતિઓમાં મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. જો કે એડવાઈઝરી કમિટિમાં તો રાજયના અગ્રણી ઉદ્યોગપતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ, પરિમલ નથવાણી, સુધીર મહેતા, બી.કે.ગોએન્કા, આર.સી.ભાર્ગવ, ઉદય કોટક, રાજીવ મોદી, પિરુઝ ખંભાતા, દેવાંશુ ગાંધી, દીપક મહેતા, સંજય લાલભાઈ, દિલિપ સંઘવી, આઈઆઈએમના ડાયરેકટર પ્રોફેસર ભરત ભાસ્કર અને આઈઆઈટી ગાંધીનગરના ડાયરેકટર પ્રોફેસર રજત મુનાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી હશે સમિતિના ચેરમેન
મુખ્યમંત્રીઆ કમિટિના ચેરમેન હશે અને ઉદ્યોગમંત્રી વાઈસ ચેરમેન હશે. આ કમિટિની રચના કરવા પાછળ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગત પાસેથી મહત્વની જાણકારી મેળવવાનો અને સમિટના સંચાલનને વધુ સુગમ અને સફળ બનાવવાનો આશય રહેલો છે.કોર કમિટિના ચેરમેન પણ મુખ્યમંત્રી હશે અને તેમાં અન્ય મંત્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ હશે જેઓ નીતિ વિષયત નિર્ણય લેવાનું અને વિવિધ કમિટિઓને માર્ગદર્શન પુરું પાડવાનું કામ કરશે.