ગગનયાનની તારીખ થઈ નક્કી, ચંદ્ર પર ક્યારે માણસ મોકલશે ભારત? જાણો ISRO ચીફે શું કહ્યું
- ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO ચંદ્રયાન-4 અને ગગનયાન મિશન પર ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે
નવી દિલ્હી, 27 ઓકટોબર: સમગ્ર વિશ્વની નજર ભારતીય અવકાશ એજન્સી (ISRO) પર ટકેલી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ, ISRO ચંદ્રયાન-4 અને ગગનયાન મિશન પર ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. હકીકતમાં, ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ‘ગગનયાન’ 2024 અથવા 2025ના અંતમાં લોન્ચ થવાની અપેક્ષા હતી, પરંતુ તેની તારીખ બદલાઈ ગઈ છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શનિવારે આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) પર સરદાર પટેલ મેમોરિયલ લેક્ચરમાં ભારતના આગામી મિશનની સાથે વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતની ભાગીદારી વધારવા વિશે પણ વાત કરી હતી. તેમણે ગગનયાન, ચંદ્રયાન-4, ચંદ્રયાન-5 અને ચંદ્ર પર ભારતના માનવ મિશન વિશે પણ વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે, ભારત ચંદ્ર પર માનવ મિશન ક્યારે શરૂ કરી શકે છે. તેમણે ઈસરોમાં ખાનગી ક્ષેત્રની પણ વાત કરી છે.
ઓલ ઈન્ડિયા રેડિયોના લેક્ચરમાં તેમણે ભારતના બહુપ્રતિક્ષિત ગગનયાન મિશન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન સંભવતઃ 2026માં લોન્ચ કરવામાં આવશે. તે જ સમયે, ચંદ્રયાન-4, જે ચંદ્રની સપાટીથી નમૂનાઓ લાવશે, તેને 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, ભારત-અમેરિકાનું વિલંબિત મિશન નિસાર આવતા વર્ષ સુધીમાં શક્ય બનશે. NISAR મિશન એ એક રડાર મશીન છે જે પૃથ્વીની સપાટી પર પર્યાવરણીય ફેરફારો તેમજ કુદરતી આફતો અને ઘટનાઓ વિશે વધુ સારી માહિતી એકત્રિત કરશે.
JAXA સાથે ISROનું મૂન મિશન
ISROના અધ્યક્ષે જાહેર કર્યું કે, જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે સંયુક્ત ચંદ્ર-લેન્ડિંગ મિશન, જેનું મૂળ નામ LUPEX અથવા Lunar Polar Exploration (LUPEX) હતું. આ ચંદ્રયાન-5 મિશન હશે. તેમણે લોન્ચ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો ન હતો. અગાઉ LUPEX મિશન 2025ની સમયમર્યાદામાં લોન્ચ થવાનું હતું, પરંતુ હવે તેને ચંદ્રયાન-5 તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેથી તેની અપેક્ષા 2028 પછી જ કરી શકાય છે.
ચંદ્રયાન-4 ક્યારે ?
એસ. સોમનાથે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 ખૂબ જ ભારે મિશન હશે, જેમાં લેન્ડર ભારત આપશે, જ્યારે રોવર જાપાનથી આવશે. ચંદ્રયાન-3 પર રોવરનું વજન માત્ર 27 કિલો હતું. પરંતુ, આ મિશન 350 કિલોનું રોવર વહન કરશે. આ મિશન ભારતને ચંદ્ર પર માનવ ઉતારવાની એક ડગલું નજીક લઈ જશે. ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના જાહેર કરી છે.
ISROમાં ખાનગી ક્ષેત્ર
શનિવારના લેકચરમાં એસ. સોમનાથે વૈશ્વિક સ્પેસ ઈકોનોમી અને સ્પેસ રિસર્ચમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આગામી 10 થી 12 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ ઈકોનોમીમાં ભારતની ભાગીદારી 2 ટકાથી વધારીને 10 ટકા કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ISRO પોતાના દમ પર આ હાંસલ કરી શકતું નથી. સ્ટાર્ટ-અપ્સથી લઈને મોટી કંપનીઓ સુધી, દરેક વ્યક્તિએ ભારતના અવકાશ ક્ષેત્રમાં આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “અમે એવી સક્ષમ મિકેનિઝમ્સ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ જે કંપનીઓ માટે ISRO સાથે કામ કરવાનું સરળ બનાવશે.”
આ પણ જૂઓ: દેશમાં કેટલા કરદાતાઓ છે કરોડપતિ, આંકડા જાણીને તમે દંગ રહી જશો