કમોસમી વરસાદનુ સંકટ ફરી ઘેરાયું, જાણો આજે ક્યા વિસ્તારોમાં થશે અસર
- હવામાન વિભાગે ફરી કરી મહત્વની આગાહી
- આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી
- કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હાલાકી
ગુજરાતમાં ભર ઉનાળાની ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે અમદાવાદ, અમરેલી સહિત અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી બે દિવસ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.
હવામાન વિભાગે કરી મહત્વની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27 અને 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે આવતી કાલે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે આ વિસ્તારમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે આવતી કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
રાજ્યમાં કમોસમી વરસાદ અટકવાનું નામ જ નથી લેતો જેના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. અગાઉ રવિ પાકમાં પણ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. ત્યારે ભરઉનાળે પણ કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદનુ સંકટ ખેડૂતોના માથે ઘેરાયું છે.
આ પણ વાંચો : Gujarat : રાહુલ ગાંધી બાદ તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ