અદાલતે કેજરીવાલને 6 દિવસ માટે EDના રિમાન્ડ પર સોંપ્યા
- નવી દિલ્હી, 22 માર્ચઃ દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે અરવિંદ કેજરીવાલને 6 દિવસ એટલે કે 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર સોંપ્યા છે. ઈડીએ કેજરીવાલના રિમાન્ડ માગતી વખતે અનેક ચોંકાવનારી દલીલો કરી હતી.
ઈડીએ અદાલતમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જ એક્સાઈઝ નીતિ કૌભાંડના મુખ્ય આરોપી છે. ઈડી વતી કેસ રજૂ કરતા તેમના વકીલ રાજુએ કહ્યું કે, કેજરીવાલ સતત સમન્સને અવગણતા હતા. તેમણે દલીલ કરી કે, એક્સાઈઝ નીતિના બદલામાં આમ આદમી પાર્ટીને કરોડો રૂપિયા હવાલા મારફત મળ્યા હતા.
ઈડીએ દલીલ કરી કે, હવાલા દ્વારા મળેલા આ નાણા રોકડમાં હતા અને તેનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં પ્રચાર માટે થયો છે. રાજુએ દાવો કર્યો કે, તેમની પાસે હવાલા માટે વાતચીત થઈ હોવાના અનેક પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે 45 કરોડ રૂપિયા હવાલા મારફત પહોંચાડવામાં આવ્યા હોવાનો ઈડીએ દાવો કર્યો હતો.
કોર્ટમાં કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રિમાન્ડનો જોરદાર વિરોધ કરતા જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો કેજરીવાલની ધરપકડ શા માટે કરવામાં આવી તેની જરૂરિયાતનો મુદ્દો ઈડીએ દર્શાવવો જોઇએ. સિંઘવીએ કહ્યું કે, આ ધરપકડ જરૂરી નહોતી. ઈડી પાસે ધરપકડને વાજબી ઠેરવવા માટે કોઈ જ મુદ્દો નથી.
સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે, કોઈ હોદ્દા પરના મુખ્યપ્રધાનની ધરપકડ કરવામાં આવી હોય. તેમણે દલીલ કરી કે, આ ધરપકડ એ મુક્ત અને ન્યાયી ચૂંટણી પરનો હુમલો છે. શું આ રીતે ભારત આપખુદ શાસન તરફ જઈ રહ્યું છે? તેવો પ્રશ્ન કેજરીવાલનો પક્ષ રજૂ કરતી વખતે અભિષેક મનુ સિંઘવીએ ઉઠાવ્યો હતો.
EDએ કેજરીવાલના રિમાન્ડ માટે રજૂ કરેલાં કારણો… વાંચો અહીં –
કેજરીવાલ વતી સિંઘવીએ એ વાતનો પણ વિરોધ કર્યો હતો કે, તાજના સાક્ષી બની ગયેલા આરોપીઓએ કેજરીવાલનું નામ લીધું એટલે ઈડીએ તેમની ધરપકડ કરી છે. સિંઘવીએ દલીલ કરી કે, કોઈના કહેવાથી કોઈ વ્યક્તિ આરોપી બની જતી નથી.
ઇતિહાસમાં પ્રથમ વખત એવું પણ થયું કે, એક આરોપીના રિમાન્ડના વિરોધમાં ત્રણ વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હોય. આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી ઉપરાંત અન્ય બે વકીલો – વિક્રમ ચૌધરી તથા રમેશ ગુપ્તા પણ રજૂઆત કરવા ઉપસ્થિત થયા હતા. જોકે, ઈડીના વકીલ રાજુએ આ વાતનો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, અગાઉ કદી એક વ્યક્તિ માટે ત્રણ-ત્રણ વકીલે દલીલ કરી નથી. આવું કદી જોયું-સાંભળ્યું નથી તેમ ઈડીના વકીલે કહ્યું હતું.
આ પણ વાંચોઃ અન્ના હજારેએ કહ્યું, કેજરીવાલની ધરપકડથી મને…