2020ના દિલ્હી રમખાણોના આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો


- કોર્ટે આરોપી સંદીપ કુમારને નિર્દોષ જાહેર કર્યો
- કોમી રમખાણો દરમિયાન શિવ વિહાર વિસ્તારમાં લૂંટ, તોડફોડ અને દુકાનોને આગ લગાડનાર તોફાની ટોળાનો ભાગ હોવાનો આરોપ હતો
- સંબંધિત સ્ટેશન ઇન્ચાર્જને વધુ તપાસ માટે વધારાની 19 ફરિયાદો અલગ કરવા નિર્દેશ આપ્યો
દિલ્હીની એક અદાલતે 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં તમામ આરોપોમાંથી એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે FIR સાથે 19 વધારાની ફરિયાદોને ખોટી રીતે જોડવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આની પૂરી રીતે અને યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. આરોપીઓને નિર્દોષ જાહેર કરવાની સાથે કોર્ટે સંબંધિત એસએચઓને વધુ તપાસ માટે વધારાની 19 ફરિયાદોને બાજુ પર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. એડિશનલ સેશન જજ પુલસ્ત્ય પ્રમચલા સંદીપ કુમાર નામના વ્યક્તિ વિરુદ્ધ કેસની સુનાવણી કરી રહ્યા હતા.
શિવ વિહારનો મામલો હતો
અહેવાલો અનુસાર આરોપી સંદીપ કુમાર પર 25 ફેબ્રુઆરી 2020 ના રોજ કોમી રમખાણો દરમિયાન દિલ્હીના શિવ વિહાર વિસ્તારમાં ફરિયાદી શૌકીનની દુકાનમાં લૂંટફાટ, તોડફોડ અને આગ લગાડનાર તોફાની ટોળાનો ભાગ હોવાનો આરોપ હતો. કોર્ટે નોંધ્યું હતું કે કેસ સાથે જોડાયેલી 19 ફરિયાદોમાંથી માત્ર 2 ફરિયાદીની દુકાન આવેલી શેરી સાથે સંબંધિત હતી. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ 8 ફરિયાદીઓ હજુ પણ શોધી શકાતા નથી. ASJ પ્રમચલાએ કહ્યું, હું એ સમજવામાં નિષ્ફળ રહ્યો છું કે પોલીસ આ કેસમાં ચાર્જશીટ અને અનટ્રેસ રિપોર્ટ કેવી રીતે ફાઇલ કરી શકે છે.
કોર્ટે એસએચઓને સૂચના આપી હતી
ASJએ કહ્યું, આ એક ખોટી પ્રથા છે કારણ કે શૌકીન દ્વારા આપવામાં આવેલી ફરિયાદો સિવાય અન્ય ફરિયાદો આ કેસ સાથે કોઈ નક્કર આધાર વગર જોડાયેલી હતી. ફરિયાદી પક્ષ રમખાણો, તોડફોડ અને લૂંટની ઘટનાને સાબિત કરવામાં સફળ થયો, પરંતુ તે ઘટના માટે જવાબદાર આરોપીની હાજરીને વાજબી શંકાથી ઉપર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.કોર્ટે સંદીપ કુમારને તમામ આરોપોમાંથી મુક્ત કરી સંબંધિત સ્ટેશન ઇન્ચાર્જને વધુ તપાસ માટે વધારાની 19 ફરિયાદો અલગ કરવા નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો, ગુજરાતમાં આ જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, શહેરમાં ભયનો માહોલ