ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં ચાલુ વર્ષે સરેરાશ 96 થી 104 ટકા વરસાદ પડશે

Text To Speech
  • ચોમાસા પૂર્વે હવામાન ખાતાનું બીજુ પૂર્વાનુમાન
  • હવામાન હાલ ચોમાસાને અનુકુળ અને આ વર્ષે અલનીનોની સંભાવના વધુ
  • વર્ષના અંત સુધી ખતરો ઝળુંબતો રહેશે

આંદામાન-નિકોબાર ટાપુઓમાં 19 મેના રોજ ચોમાસું આવી ગયું છે, ત્‍યારબાદ ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન શરૂ થશે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ તેની બીજી આગાહી જાહેર કરી છે, જે મુજબ આ વર્ષે મોનસૂન માટે હવામાન સાનુકૂળ જણાય છે અને તેની પ્રગતિની સ્‍થિતિ પણ ઘણી સારી છે. આ વર્ષે સરેરાશ વરસાદ 96%-104% રહેવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે અલ નીનોની સંભાવના વધારે છે અને વર્ષના અંત સુધી અલ નીનોનો ખતરો રહેશે. તે જ સમયે, 4 જૂન સુધીમાં ચોમાસું કેરળમાં દસ્‍તક આપી શકે છે.

ક્યાં અને ક્યારે ? કેવો વરસાદ રહેશે ?

હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે સરેરાશ વરસાદ 96%-104% રહેવાની ધારણા છે. જૂન-સપ્‍ટેમ્‍બરમાં સામાન્‍ય વરસાદની શક્‍યતા વધુ છે. ઉત્તર-પશ્ચિમમાં સામાન્‍ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્‍ય, દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્‍યમ વરસાદની શક્‍યતા છે. IMD અનુસાર, જૂનમાં સામાન્‍ય કરતાં ઓછો વરસાદ પડશે, જેના કારણે તાપમાન સામાન્‍ય કરતાં વધુ રહી શકે છે. જયારે આગામી 2 કે 3 દિવસમાં ઉત્તર ભારતમાં સારો વરસાદ પડી શકે છે.

તમામ રાજ્યોમાં ચોમાસુ વિલંબ સાથે પહોંચશે

ચોમાસું આંદામાન-નિકોબારથી શરૂ થાય છે, સૌ પ્રથમ ચોમાસું 16 કે 17 મે વચ્‍ચે આંદામાનમાં દસ્‍તક આપે છે. જો કે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય છે, જેના કારણે ચોમાસાની શરૂઆત કેરળથી માનવામાં આવે છે. ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, ત્‍યારબાદ 15 થી 20 જૂન સુધીમાં તમિલનાડુ, બંગાળની ખાડી, કોંકણ અને નજીકના રાજયોમાં ચોમાસું સક્રિય થઈ જાય છે. આ પછી પશ્ચિમી પટ્ટી પર ચોમાસું સક્રિય થાય છે અને કર્ણાટક, મુંબઈમાં વરસાદ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ચોમાસું તમામ રાજયોમાં 3 થી 5 દિવસના વિલંબ સાથે પહોંચવાની ધારણા છે, કેરળમાં પણ 4 જૂન સુધીમાં ચોમાસું દસ્‍તક આપશે.

Back to top button