સુરતમાં બોગસ ડોક્ટરકાંડના મુખ્ય આરોપીનું કોંગ્રેસ કનેક્શન ખૂલ્યું, જાણો કોણ છે?
- લોકોના જીવ જોખમમાં મુકનારા એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા
સુરત, 6 ડિસેમ્બર: અમદાબાદના ખ્યાતિકાંડ બાદ હવે સુરત શહેરમાંથી લોકોના જીવ જોખમમાં મુકનારા એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. આ મુન્નાભાઈ MBBSનું કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરોની ‘ફેક્ટરી’ ચલાવનારો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવોનો ઘટસ્ફોટ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે, સુરત ઝોન 4 પોલીસ દ્વારા આ બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. ડોક્ટર સેલના ચેરમેન અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપ્યું હોવાનો પત્ર પણ હાલ સોશિયલ મીડીયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
જૂઓ આ પત્ર
બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું બહાર આવ્યું છે. રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. ડોક્ટર સેલના ચેરમેન અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા દ્વારા તેને આ પદ સોંપવામાં આવ્યું હતું. આ રશેષ ગુજરાતી શહેરમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો.
આ મામલે હેમાંગ વસાવડાએ શું કહ્યું?
સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડાએ કહ્યું કે, રશેષ ગુજરાતી વર્ષ 2018-19માં કોંગ્રેસમાં સક્રિય હતા, પરંતુ 2019 પછીથી તે કોંગ્રેસમાં સક્રિય નથી. છેલ્લા 4 વર્ષથી તેને કોઇ પ્રસંગમાં હાજરી આપી નથી અને કોઈ અન્ય પ્રસંગમાં પણ આવ્યો નથી. તે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે.
પોલીસને 1200 જેટલી નકલી ડિગ્રીઓનો ડેટા મળી આવ્યો
મહત્ત્વપૂર્ણ છે કે, પોલીસ દ્વારા બાતમીના આધારે બોગસ ડોક્ટર અને નકલી ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં આ અંગે અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી તરીકે જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. જેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસને 1200 જેટલી નકલી ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.
આ પણ જૂઓ: સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોનો અનોખો વિરોધ, મહિલા અને પુરુષ ટાવર પર ચડી ગયા