રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકોની મુંઝવણ વધી, જાણો કેમ ?
શ્રાવણમાસના હવે પંદર દિવસ જ બાકી રહ્યા છે અને ઓગસ્ટ માસના અંતથી જ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે એક તરફ રાજ્યના મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવના આયોજકોને મુર્તિના કદમાં છૂટછાટ આપીને ખુશ કરી દીધા છે તો બીજી તરફ રાજકોટના પોલીસ કમિશનર દ્વારા અચાનક જ જાહેરનામું બહાર પાડીને નવ ફૂટથી ઉંચી મુર્તિઓ રાખવા પર પ્રતિબંધ ફરમાવતા ગણેશ મહોત્સવના આયોજકોની મુંઝવણ વધી છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ખુદ છૂટછાટ આપી રહ્યા છે ત્યારે બીજી બાજું રાજકોટના પોલીસ કમિશનર અલગ જ પ્રકારનું જાહેરનામું બહાર પાડી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ચાર ફૂટથી વધુ ઉંચાઇની મુર્તિઓની સ્થાપના કરવાની છૂટ આપી
ગયા વર્ષે કોરોના સંક્રમણ વચ્ચે તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ મહોત્સવની ઉજવણી માટે વચલો રસ્તો કાઢીને જાહેર આયોજનમાં ચાર ફૂટ અને ઘરમાં બે ફૂટની મુર્તિઓની છૂટ આપી હતી. આ પછી હવે કોરોનાનું પ્રમાણ ઓછું થતાં વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિજયભાઇના આદેશને રદ કરીને ચાર ફૂટથી વધુ ઉંચાઇની મુર્તિઓની સ્થાપના કરવાની છૂટ આપી હતી. મુખ્યમંત્રી દ્વારા અપાયેલી છૂટછાટના પગલે રાજકોટના તમામ હાઇ વે પર ડેરા તંબુ તાણીને બેઠેલા રાજસ્થાની અને મારવાડી મુર્તિકારોએ ગણેશમુર્તિઓને આકાર અને ઘાટ આપવાની શરૂઆત કરી દીધી હતી. ગણેશમુર્તિ સસ્તાભાવે મળી રહે તે માટે આયોજકો દ્વારા પણ શ્રાવણમાસ પહેલાજ મુર્તિના ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપેલી છૂટછાટના પગલે શહેરમાં જ્યાં સૌથી મોટા આયોજનો થાય છે તેવા શહેરના સાતથી આઠ જેટલાં સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા નવ ફૂટથી ઉંચી મુર્તિના ઓર્ડર પણ આપી દેવાયા હતા.
પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
આમ તો મુર્તિકારો દ્વારા ગણેશ મહોત્સવના ત્રણ માસ અગાઉથી જ મુર્તિઓનું કાચું ઘડતર થઇ જાય છે. અને, ઓર્ડર મળ્યા બાદ મુર્તિઓને ફાઇનલ ટચ આપી રંગરૂપ અને શણગાર કરવામાં આવે છે. અનેક આયોજકો દ્વારા રાજકોટ સિવાય વડોદરા, સુરત, અમદાવાદ કે મુંબઇ, નાસિકના કારીગરોને પણ ઓર્ડર આપીને ત્યાંથી મુર્તિઓ લાવીને સ્થાપન કરાય છે. આમાં મોટાભાગની મુર્તિઓ નવ ફૂટથી ઉંચી છે. હવે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે જેમાં 9 ફૂટથી વધુની ઊંચાઈવાળી મુર્તિઓ રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.