ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા આ નેતાઓની હાલત ધોબીના કૂતરા જેવી થઈ

ગુજરાતમાં ટિકિટની આશાએ કોંગ્રેસ છોડનારા અડધો ડઝનને ભાજપે લટકાવી દીધાં છે. જેમાં જયરાજસિંહ, હિમાંશુ વ્યાસની હાલત ધોબીના કૂતરા જેવી થઈ છે. તેમજ કોંગ્રેસવાળા બોધપાઠ લે તો ભાજપના પાયાના કાર્યકરો ચૂંટણીમાં સચવાય છે. બે વાર ચૂંટણી હારેલા હિમાંશુ વ્યાસ વઢવાણ સીટ માટે ભાજપમાં જોડાયા હતા. પણ લાલચમાં નિર્ણય લેવો હિમાંશુ વ્યાસને ભારે પડ્યો છે.

આ પણ વાંચો: અમરેલીમાં મોટા મોટા હોર્ડિંગ લગાવનાર પરેશ ધાનાણી જીતશે!, જાણો શું હશે પડકારો

પાયાના કાર્યકરોને રાજકીય ફાયદો થાય

આ બધાને ભાજપે ટિકિટ માટે રિજેક્ટ કરી દેતાં, એમનું પાર્ટી છોડવાનું વ્યર્થ ગયું છે. આવી જ રીતે પૂર્વ ધારાસભ્યો ધવલસિંહ ઝાલાને તથા અમિત ચૌધરીને અનુક્રમે બાયડ અને માણસા બેઠકો ઉપર પેટાચૂંટણીઓ હાર્યા પછી ભાજપે એમની રાજકીય કારકિર્દી લગભગ પૂરી કરી દીધી છે. ભાજપના એક નેતા આ બાબતે એવો સૂર કાઢયો છે કે, કોંગ્રેસમાંથી ટિકિટની આશાએ આવતા કાર્યકરો આમાંથી બોધપાઠ લે તો ભાજપ માટે જિંદગીભર પરસેવો પાડનારા પાયાના કાર્યકરોને રાજકીય ફાયદો થાય.

ખેરાલુ બેઠક ઉપર ઉમેદવારી કરવાને નામે ભાજપમાં જોડાયા

ટિકિટની લાયમાં ભાજપમાં નાતરું કરનારા એક સમયના કોંગી કાર્યકરો-જયરાજસિંહ પરમાર, હિમાંશુ વ્યાસ, દિનેશ શર્મા, કેવલ અનિલ જોશિયારા તેમજ પૂર્વ ધારાસભ્યો-સોમા ગાંડા પટેલ, ધવલસિંહ ઝાલા અને અમિત ચૌધરીની હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે, તેઓ ઘરના અને ઘાટના રહ્યા નથી. એક સામાન્ય પ્રવક્તા તરીકે જયરાજસિંહ ખેરાલુ બેઠક ઉપર ઉમેદવારી કરવાને નામે ભાજપમાં જોડાયા હતા. હંમેશા ચૂંટણી સમયે દેખા દેતા અને ટેક્નોક્રેટ સામ પિત્રોડા સાથે ઘનિષ્ટતાની એકમાત્ર લાયકાત ધરાવતા એવા બે વાર ચૂંટણી હાર્યા હતા.

આ પણ વાંચો: Exclusive: ગુજરાત વિધાનસભાની સૌથી ભાગ્યશાળી બેઠક, જીતનાર પક્ષની બને છે સરકાર

સુરેન્દ્રનગરથી ઉમેદવારી કરવા માટે ભાજપમાં જોડાયા

હિમાંશુ વ્યાસ વઢવાણ સીટ માટે ભાજપમાં જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા બાપુનગર બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે ભાજપમાં ગયા હતા. ભિલોડામાં કોંગી ધારાસભ્ય ડૉ. અનિલ જોશિયારાના મૃત્યુ બાદ તેમના પુત્ર કેવલ ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે ભાજપમાં જોડાયા હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને છેહ દેનારા અને છેલ્લે સુધી સુરેન્દ્રનગરની સીટ ફરી કોંગ્રેસમાંથી મેળવવા લટુડાપટુડા કરનારા સોમા ગાંડા પટેલ સુરેન્દ્રનગરથી ઉમેદવારી કરવા માટે ભાજપમાં જોડાયા હતા.

Back to top button