ગુજરાતટ્રાવેલ

‘બાવળાના બળથી’ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી

Text To Speech

કચ્છ: નાના રણમાં ‘બાવળાના બળથી’ મીઠું પકવતા અગરિયા પરિવારો ઉનાળાની 45 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં દિવસ રાત મહેનત કરે છે. છેવાડાના માનવી તરીકે ઓળખાતા બિચારા અને બાપડા એવા અગરિયાને આગ ઓકતી ગરમીમાં કઈ કેટલીએ તકલીફોનો સામનો કરવો પડે છે. મોરબીના હળવદના ટીકર અને અજીતગઢ વચ્ચે આવેલા કચ્છના નાના રણમાં અગરીયાઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ધોમ ધકતા તાપમાં કાળી મજૂરી કરતા અગરિયાઓને પુરતા ભાવ નથી મળી રહ્યા આટલુ જ નહીં જરૂરી સુવિધાઓ પણ ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતનો છેવાડાનો માનવી ગણાતો ગરીબ અને પછાત અગરિયો આજે પણ રણમાં રસ્તા, પાણી અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજે પણ 13મી સદીમાં જીવતા હોય એવો ગોઝારો ઘાટ જોવા મળી રહ્યો છે.

અગરિયાઓને નથી મળતો યોગ્ય ભાવ
મોરબીનાં હળવદ તાલુકાના છેવાડાના ગામ ટીકર અજિતગઢ, ખોડ સહિતના ગ્રામ્ય વિસ્તારો બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરૂ થાય છે. નાનું રણ સામાન્ય માણસોને નિર્જન જગ્યા લાગે પણ આ રણમાં અનેક લોકો રોજી-રોટી મેળવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. ઘુડખર અભ્યારણ તરીકે વિશ્વભરમાં જાણીતા કચ્છના નાના રણમાં મીઠુ પકવવામાં આવે છે. અગરિયાઓ મીઠું પકવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. દેશ દુનિયામાં લોકોના સ્વાદમાં વધારો કરતા મીઠા ઉદ્યોગે હરણ ફાળ પ્રગતિ કરી રહ્યો છે.અગરિયાઓ પોતાના ઘર બાર છોડીને રણમાં જ રહે છે અને મીઠું પકવે છે. મીઠુ પકવવા માટે કાળી મજૂરી કરતા અગરિયાઓને મીઠાના 200 રૂપિયા પ્રતિ ટન ભાવ મળે છે. જ્યારે બજારમાં આ જ મીઠું 500 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાય છે. વેપારીઓ દ્વારા અગરિયાઓને યોગ્ય ભાવ નથી આપવામાં આવતો જેને લીધે અગરિયાઓ એ યોગ્ય ભાવ આપવા માંગ કરી છે.

 Many challenges to the salt-baking Agaryas in the small desert of Kutch
અગરિયાઓને મીઠાનો યોગ્ય ભાવ ન મળતા પારાવાર મુશ્કેલી

રણ વિસ્તારમાં નથી મળતુ પુરતુ પાણી
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને આકરા ઉનાળાની 45 ડીગ્રી આગ ઓકતી ગરમીમાં પીવા-વાપરવાનું પૂરતુ પાણી ન મળતા હાલાકી ભોગવવી પડે છે. રણમાં અગરિયાઓને પુરતુ પીવાનું પાણી નથી મળતુ તો રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા 98% અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. વધુમાં રણમાં ગરીબ અગરિયા પરિવારો પાસે પીવાના પાણીના સંગ્રહની કોઇ વ્યવસ્થા ન હોવાથી એમને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે. અગરિયાને આગ ઓકતી ગરમીમાં પીવાના પાણીની એક-એક બુંદ માટે તરસ્યા રહેવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

 Many challenges to the salt-baking Agaryas in the small desert of Kutch
અગરિયાઓને નથી મળતુ પીવાનું પુરતુ પાણી

અનેક રજુઆતો બાદ પણ પરિણામ શૂન્ય
અગરિયાઓને પીવાના પાણીની સુવિધા આપવામાં આવતી કે નથી કોઈ અન્ય સેફ્ટીના સાધનો આપવામાં આવતા પંરતુ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી એ જ યુક્તિ મુજબ અગરિયાઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મીઠું પકવે છે અને આ મીઠું ભારત સહિત દુનિયાભરમાં એકસપોર્ટ થાય છે. કચ્છના નાના રણમાં લગભગ પાંચ હજાર અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. જેમાં અગરિયાઓને આખી જિંદગી મીઠું પકવવ્યા બાદ ચામડીના રોગ અને ગેંગ્રીન જેવા રોગ થાય છે. મીઠું પકવતાં અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધાઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકારી અનેક યોજનાનો છે પરંતુ એ ફકત કાગળ પર જ છે ત્યારે અગરિયાઓ દ્વારા આ મામલે અનેક વખત હળવદ મામલતદાર તેમજ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આ અગરિયાઓએ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે.

Many challenges to the salt-baking Agaryas in the small desert of Kutch
ફાઈલ ફોટો

રણ સરોવરનો અગરિયાઓ કરી રહ્યા છે વિરોધ
કચ્છના રણમાં રણ સરોવર બનાવવામાં આવે છે તેના પર રોક લગાવવામાં આવે કેમ કે કચ્છના નાના રણમાં જો રણ સરોવર બનાવવામાં આવે તો પાંચ હજાર અગરિયાઓની રોજી રોટી પર અસર થશે અને આ રણ સરોવરથી કોઈ પ્રકારનો ફાયદો શક્ય નથી. આ રણ સરોવરથી એકઠું થયેલું પાણી ખારું થઈ જાય છે અને એ પાણી ના પીવા માટે કામ આવે કે ના ખેતી માટે કામ આવે છે. જો ખેતરોમાં આ પાણી પિયત તરીકે આપવામાં આવે તો ખેતીની જમીનમાં ખારાશ પેદા થાય છે જે લાંબા ગાળે નુકશાન કરે છે અને જમીન ખારાશ પકડી જાય છે ત્યારે બીજી બાજુ રણસરોવર બનતા અગરિયાઓની રોજી રોટી પણ છીનવાઈ જશે તેવું અગરિયાઓનું કહેવું છે. આમ છેવાડાનો માનવી ગણાતો ગરીબ અને પછાત અગરિયો આજે પણ રણમાં રસ્તા, પાણી અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

Back to top button