DJના તીવ્ર અવાજથી 250 લોકોની હાલત ખરાબ, જાણો ક્યાં બની આ ઘટના?


મુંબઈ, 17 એપ્રિલ: મહારાષ્ટ્રમાં આંબેડકર જયંતી નિમિત્તે ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. સૌ કોઈ આંબેડકર જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે અચાનક ડીજેનો અવાજ એટલો વધી ગયો કે બધાનું માથું અચાનક જ સુન્ન થવા લાગ્યું. ડીજેનો વધારે પડતો અવાજ સાંભળીને 250 લોકોની તબિયત અચાનક લથડી હતી. કોઈ કંઈ જ સાંભળી શકતું ન હતું. ત્યારબાદ અરાજકતા સર્જાઈ હતી. આ તમામ દર્દીઓને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.
લોકો આંબેડકર જન્મજયંતિની કરી રહ્યા હતા ઉજવણી
14 એપ્રિલે, ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર દેશભરમાં લોકોએ ઠેર-ઠેક ઉજવણી કરી હતી. ત્યારે ક્રાંતિ ચૉકમાં પણ મુંબઈવાસીઓએ આયોજન કર્યું હતું. સિટી ઇવેન્ટ માટે પુણેના 15 ડીજેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમંત્રિત તમામ DJ મોટા અવાજે વાગી રહ્યા હતા અને યુવાનો ડીજે સામે જોરદાર ડાન્સ કરી રહ્યા હતા. આ સમયે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ડીજેનો અવાજ એટલો વધી ગયો કે લોકોને પણ ખબર ન પડી અને આ કાન ફાડી નાખે એવા અવાજથી ત્યાં હાજર લોકોની તબિયત લથડી હતી.
ડીજેના વધારે પડતા અવાજની અસર યુવાનોમાં વધારે
ડીજેનો અવાજ સાંભળીને બીમાર પડનારની સંખ્યામાં યુવાનો મોટી સંખ્યામાં હતા. ડીજેનો અવાજ સાંભળીને 17 થી 40 વર્ષની વયના લોકોના કાન સુન્ન થઈ ગયા હતા. આ ઉંમરના 250 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.
ત્રણ સામે પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથધરી
ક્રાંતિ ચોકની સાથે સાથે મુંબઈના બીજા બે સર્કલ પર પણ નિયત મર્યાદા કરતાં વધુ વોલ્યુમમાં ડીજે વગાડનાર પર ક્રાંતિ ચોક પોલીસે ભારતીય દંડ સંહિતા તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને ધ્વનિ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જો કાન સુન્ન થઈ જાય તો 72 કલાક પહેલા સારવાર લેવી જોઈએ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ડીજેનો અવાજ સાંભળીને કાન સુન્ન થઈ જાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો, જો કાન સુન્ન થઈ ગયા પછી 72 કલાક સુધી કોઈ સારવાર કરવામાં ન આવે તો તે વ્યક્તિની બહેરા થવાની સંભાવના રહેલી છે.
આ પણ વાંચો: છત્તીસગઢના કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, ટોચના નક્સલી કમાન્ડર સહિત 29 ઢેર