કંપનીએ લીધો મોટો નિર્ણય, શું ફરી એકવાર પુરી થઈ જશે નોકિયાની કહાની?
- HMD ગ્લોબલે નોકિયાની બ્રાન્ડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી હટાવી
HD ન્યૂઝ ડેસ્ક, 1 ફેબ્રુઆરી: નોકિયા સ્માર્ટફોન અને ફીચર ફોન બનાવતી કંપની HMD ગ્લોબલે એક મોટી જાહેરાત કરી છે. HMD ગ્લોબલ હવે તેની મૂળ બ્રાન્ડ એટલે કે HMD સાથે બ્રાન્ડેડ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપની છેલ્લા કેટલાક સમયથી આ ડિવાઈસને સતત ટીઝ કરી રહી છે. HMD એ નોકિયા બ્રાન્ડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પરથી હટાવી દીધી છે.
ઉત્પાદક ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, જે HMD બ્રાન્ડિંગ સાથે આવશે. આ સ્માર્ટફોન ટૂંક સમયમાં શરૂ થનારી મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ (MWC 2024)માં લોન્ચ થઈ શકે છે. બ્રાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરનું એકાઉન્ટ હવે Nokia.com નહીં પરંતુ HDM.comથી જોવા મળશે.
નોકિયાની સ્ટોરીનો અંત આવશે?
ઘણા લોકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે શું નોકિયાની કહાની ફરી એકવાર પુરી થશે. અગાઉ માઈક્રોસોફ્ટે નોકિયાના ફોન પણ વેચ્યા હતા, પરંતુ બાદમાં કંપનીએ નોકિયા બ્રાન્ડના અધિકાર HMD ગ્લોબલને વેચી દીધા હતા.
નોકિયા સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ જ રહેશે
જો કે, એવું નથી કે નોકિયા સ્માર્ટફોન હવે બજારમાં ઉપલબ્ધ નહી રહે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નોકિયા ફોન પણ બનાવવાનું ચાલુ રાખશે. આ સાથે કંપની નવી બ્રાન્ડ સાથે મળીને અન્ય નવા ઉપકરણો પણ લોન્ચ કરશે. કંપનીની નવી વેબસાઈટ hmd.com છે, જેના પર તમને નોકિયા ફોનનું લિસ્ટ જોવા મળશે.
કંપનીનું આયોજન શું છે?
HMD કહેવું છે કે તે મૂળ HMD બ્રાન્ડિંગ સ્થાપિત કરવા પર પણ કામ કરશે. કંપનીએ કહ્યું કે અમે હજી પણ નોકિયા સ્માર્ટફોન અને ફીચર ફોનના નિર્માતા છીએ, પરંતુ અમે વધુ ફીચર લાવવાની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં તમામ નવી ભાગીદારીના મૂળ HMD ઉપકરણો અને ફોન સામેલ હશે.
કંપનીએ એક ટીઝર પણ બહાર પાડ્યું છે, જેમાં તેણે પોતાને હ્યુમન મોબાઈલ ડિવાઈસ તરીકે વર્ણવ્યું છે. છેલ્લા સાત વર્ષથી HMD ગ્લોબલ નોકિયા બ્રાન્ડેડ સ્માર્ટફોન અને ફીચર ફોનનું ઉત્પાદન કરી રહ્યું છે. કંપનીએ તેની શરૂઆત વર્ષ 2017માં કરી હતી.
કંપનીએ વર્ષ 2016માં માઈક્રોસોફ્ટ પાસેથી નોકિયા બ્રાન્ડ ખરીદી હતી. કંપનીએ 10 વર્ષ માટે નોકિયા બ્રાન્ડ્સના અધિકારો વેચ્યા હતા. એચએમડી ગ્લોબલના પહેલા સ્માર્ટફોન વિશે વધુ માહિતી નથી, પરંતુ કંપનીએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. આ હેન્ડસેટ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે. તેની ડિઝાઇન માઇક્રોસોફ્ટ લુમિયા લાઇનઅપથી પ્રેરિત હોવાનું જણાય છે.
આ પણ વાંચો: Xiaomi લાવી રહ્યું છે એક નવું ડિવાઈસ, જે તમારી આસપાસ છુપાયેલા કેમેરાને શોધી કાઢશે