ઠંડી આવતા પહેલા શરૂ થઈ ગઈ છે શરદી-ખાંસીની સીઝન, આટલું રાખો ધ્યાન
- આ વખતે તો ઠંડી આવતા પહેલા જ શરદી-ખાંસીની શરૂઆત થઈ ગઈ છે. શરદી અને ઉધરસની ખરાબ બાબત એ છે કે જો પરિવારમાં એક વ્યક્તિને તે થાય છે, તો તે ધીમે ધીમે બધા લોકોમાં ફેલાય છે
HD ન્યુઝ ડેસ્કઃ ઠંડીના મહિનામાં શરદી અને શ્વાસ સંબંધી બીમારીઓ વધુ જોવા મળે છે. જોકે આ વખતે તો ઠંડી આવતા પહેલા જ શરદી-ખાંસીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની સીઝનમાં તો લોકો મોટાભાગે ઘરની અંદર જ રહે છે, જેના કારણે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઠંડી હવામાં આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શરદી અને ઉધરસની ખરાબ બાબત એ છે કે જો પરિવારમાં એક વ્યક્તિને તે થાય છે, તો તે ધીમે ધીમે બધા લોકોમાં ફેલાય છે. જાણો આપણે આ તકલીફને કેવી રીતે અટકાવી શકીએ.
તમારા પરિવારને શરદી અને ઉધરસથી બચાવવા માટે કરો આ ઉપાય
હાથ નિયમિત અને વારંવાર ધુઓ
સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ખાસ કરીને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી. તમારા નાક સાફ કર્યા પછી અથવા તમારા ચહેરાને સ્પર્શ કર્યા પછી, જો તમે તમારા હાથ ધોઈ શકતા નથી, તો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો
ઠંડીના વાયરસ તમારા હાથમાંથી તમારી આંખો, નાક અને મોંમાં ફેલાય છે, તેથી વારંવાર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો
તમારા નાક અને મોંને ઢાંકો
જ્યારે તમે છીંક કે ઉધરસ ખાવ છો, ત્યારે તમારા હાથનો નહીં, પરંતુ તમારી કોણીનો ઉપયોગ કરો. તમે ટિશ્યૂ પેપર પણ રાખી શકો છો.
જ્યારે તમે બીમાર હોવ ત્યારે ઘરે રહો
જ્યારે બીમાર હો ત્યારે ઘરે રહો, બાળકોને પણ સ્કુલે ન મોકલો. શરદીને અન્ય લોકો સુધી ન ફેલાવો તે તમારી જવાબદારી છે. તમને પણ વધુ ચેપ લાગી શકે છે, તેના બદલે આરામ કરો.
ભીડથી બચો
ઘરની બહાર નીકળતી વખતે અન્ય લોકોથી ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવો. શરદી-ઉધરસ હોય ત્યારે ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.
સારી ઊંઘ લો, સારું ડાયેટ લો
તંદુરસ્ત આહાર અને જીવનશૈલી તમારા શરીરને વાઈરસ સામે લડવામાં મદદ કરી શકે છે. બીમાર હો ત્યારે સારી ઊંઘ લો, સારું ડાયેટ લો
ફલૂની રસી લો
દર વર્ષે ફલૂની રસી અપડેટ થતી હોય છે. તમે તે લઈ શકો છો. તેનાથી તમને સામાન્ય ફ્લુ સામે બચવામાં રક્ષણ મળશે.
આ પણ વાંચોઃ શિયાળામાં ઘટી જાય છે રોગપ્રતિકારક શક્તિ, ડાયટમાં સામેલ કરો આ ચીજ