- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંવાદ તેમજ સંપર્ક કાર્યક્રમ યોજાયો
- સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો
- સરકારે કરેલાં કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા CMની હાકલ
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરૂચની મુલાકાત લીધી હતી. અને કાર્યકરો તથા જનપ્રતિનિધિઓને સાથે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરૂચ ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ શાબ્દિક સ્વાગત કરી મુખ્યમંત્રીને આવકાર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજયમાં સો દિવસમાં સરકારે કરેલા કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંવાદ તેમજ સંપર્ક કાર્યક્રમ માટે આગમન થયુ
ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમીતિની બેઠક અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવ્યા હતા. જી.એન.એફ.સી. ખાતે આગમન થયા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલનમાં મુખ્યમંત્રી આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વિધાનસભાની ચુંટણી બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંવાદ તેમજ સંપર્ક કાર્યક્રમ માટે આગમન થયુ છે.
સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો
સવારે 10.30 કલાકે જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એકથી દોઢ કલાક બેઠક યોજી હતી. જે બાદ મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પુર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદમાં જોડાયા હતા. સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો જે બાદ સંકલન સમિતિ સાથે મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે. કાર્યકર્તા બેઠકમાં ભરૂચ જીલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, કાર્યક્રમના પ્રભારી જીરાવાલા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ ફતેસિંહ ગોહિલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, કૃપાબેન પટેલ, દક્ષાબેન પટેલ, સુરભીબેન તમાકુવાલા સહિત કાર્યકરોએ હાજરી આપી હતી.
ભરૂચની દુર્વા મોદીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠયા વાહ ભાઈ
ભરૂચ પહોંચેલા ભુપેન્દ્ર પટેલ જીએનએફ્સી હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યારે 9 વર્ષની બાળકી દુર્વા અંકિત મોદીએ ભુપેન્દ્ર પટેલને કહ્યું હતું કે 100 દિસવમાં આપણી સરકારે ગુજરાતની સમસ્યા દૂર કરી છે, આપના પગલે ચાલી હું સમાજ માટે ઉપયોગી કર્યો કરવા માંગુ છું. આપના મને આશીર્વાદ આપશો. દૂર્વાની આખી વાત સાંભળી પીઠ થપથપાવી સીએમ કાર્યક્રમ સ્થળ તરફ્ રવાના થયા હતા. દુર્વાએ ગત વર્ષે કોરોનાકાળમાં 40 બાળકીઓની સ્કૂલ ફી જમા કરાવી હતી. દુર્વાએ શાળા અને મિત્રોનું ગ્રુપ બનાવી કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ SOGની મદદથી 100 થઈ વધુ બાળકોને આ ભેટ આપવાનું કેમ્પેઈન પણ સફળ રહ્યું હતું.