સ્વતંત્રતા દિવસ પર ત્રણ સુપરસ્ટારની ટક્કર, અક્ષય, અલ્લૂ અને જ્હોનની ધમાલ
- દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર અનેક મોટી ફિલ્મો રીલીઝની રાહ જોઈ રહી હોય છે. ઘણી મોટી ફિલ્મોની ટક્કર પણ થાય છે આ વર્ષે સુપરસ્ટારની ટક્કર થશે
13 જૂન, મુંબઈઃ સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે મોટી મોટી ફિલ્મો રીલીઝ થતી હોય છે. આ જાહેર રજાનો દિવસ હોવાથી નિર્માતાઓ આ દિવસે ફિલ્મ રીલીઝ કરવા ઈચ્છતા હોય છે. આ વખતે પણ ત્રણ સુપરસ્ટારની ટક્કર થતી જોવા મળશે. આ વર્ષે 15 ઓગસ્ટ, 2024ના દિવસે મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત ખેલ ખેલમેં બિગ સ્ક્રીન પર રીલીઝ થશે. તેમાં અક્ષયકુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન જેવા કલાકારો કોમેડીનો તડકો લગાવશે. ફરદીન ખાન લાંબા સમય બાદ બિગ સ્ક્રીન પર જોવા મળશે.
ત્રણ ફિલ્મોની થશે ટક્કર
સ્વતંત્રતા દિવસના અવસરે ખેલખેલમાં ઉપરાંત અન્ય ફિલ્મો પણ રીલીઝ થવા જઈ રહી છે. લોંગ વિકેન્ડને જોતા એક સાથે અનેક ફિલ્મો પોતાની કિસ્મત અજમાવવા તૈયાર છે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની પુષ્પા અને જ્હોન અબ્રાહમની વેદા પણ આજ દિવસે રીલીઝ થવા જઈ રહી છે. આ બંને ફિલ્મોથી પણ ફેન્સને ઘણી આશાઓ છે. થિયેટર્સમાં ત્રણ સુપરસ્ટારની ટક્કર જોવા મળશે. આમ તો ત્રણેય ફિલ્મો અલગ અલગ ટેસ્ટની છે, પરંતુ તેને ત્રણ સુપરસ્ટાર વચ્ચેની ટક્કર ચોક્કસ કહી શકાય.
જ્હોન અને અક્ષયની ફિલ્મો પહેલા પણ ટકરાઈ છે
આ પહેલા 2018માં અક્ષયકુમારની ગોલ્ડ અને જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થઈ હતી. 2019માં અક્ષયની મિશન મંગલ અને જ્હોનની બાટલા હાઉસ એક સાથે રીલીઝ થઈ હતી. હવે પાંચ વર્ષ બાદ ફરી એક વાર અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની ફિલ્મો રીલીઝ થશે.
આ પણ વાંચોઃ ‘રાજનીતિ ખૂબ જ ક્રૂર…’: કંગના રનૌતે જણાવ્યો રાજકારણ અને અભિનય વચ્ચેનો તફાવત