- આ માન્યતાને લઈને દાંતા હેલીપેડનો ઉપયોગ શરૂ થયો હતો.
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ એટલે અંબાજી. જ્યાં સતિના હૃદયનો ભાગ પડ્યો હતો. તેવા મા અંબાના દર્શને અનેક માઈભક્તો જ નહીં મોટા રાજકીય નેતાઓ પણ આવે છે. ત્યારે કેટલાક રાજનેતા કે, જેમને અંબાજીમાં હેલિકોપ્ટર દ્વારા ઉતરણ કરી માના દર્શન કર્યા હતા. તેમને થોડા સમયમાં ગાદી છોડવાની નોબત આવી હતી, એવી એક માન્યતા હોવાનું મનાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં સોનાના 358 કલશથી શોભતા મા અંબાના મંદિરના દર્શને લાખોની સંખ્યામાં માઈભક્તો આવે છે. અને મા અંબાના ચરણે શીશ ઝૂકાવે છે. છેલ્લા 20 વર્ષમાં અંબાજીનો નોંધપાત્ર વિકાસ થયો છે. હવે તો તારંગા -અંબાજી- આબુરોડ રેલવે લાઈનથી પણ આ યાત્રાધામ જોડાવાનું છે. પરંતુ આપણે વાત કરીએ છીએ રાજનેતાઓની.. જેમણે મા અંબાના ધામમાં હેલિકોપ્ટર દ્વારા ઉતરાણ કરીને માના દર્શન કર્યા હોય અને થોડા સમયમાં તેમને ગાદી છોડવી પડી હોય.બનાસકાંઠા જિલ્લાના સિનિયર પત્રકાર પ્રદીપ મહેતા કહે છે કે, ગત વર્ષોમાં રાજનીતિના ચાણક્ય કહેવાતા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ હોય કે છબીલદાસ મહેતા જેવો હેલિકોપ્ટરમાં અંબાજી આવ્યા હતા. અને તેમના થોડા સમયમાં તેઓ સત્તા વિહોણા બન્યા હતા. એવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી કેશુ બાપાને પણ ગાદી છોડવી પડી હતી.
આમ એવી એક માન્યતા ઘર કરી ગઈ છે કે, જે અંબાજી માતાજીના મંદિર ઉપર હેલિકોપ્ટરમાં ચક્કર લગાવીને ગયા તેમનો સત્તા પલટો થયો હોવાનો માનવામાં આવી રહ્યું છે. જોકે આ માન્યતાને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ત્યાર પછી જે મુખ્યમંત્રીઓ આવ્યા તેમણે દાંતા નજીક બનાવવામાં આવેલા હેલિપેડનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યાંથી તેઓ મોટર માર્ગે અંબાજી માતાજીના દર્શન માટે જતા હતા.આજે પણ આ પરંપરા જાણે જળવાઈ હોય તેમ અંબાજી માતાજીના પરમ ઉપાસક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શુક્રવારે અંબાજી આવ્યા ત્યારે તેમના હેલિકોપ્ટરને પણ હાંતાવાડા પાસે બનાવવામાં આવેલા હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું. આમ માનો કે ના માનો પણ લોકોમાં આ માન્યતા પ્રચલિત બની ગઈ છે.