ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીએ ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા રહે તે માટે લીધો મોટો નિર્ણય

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહિત કરતો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-2022માં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ જે મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને 4 હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે.

 

લીઝ ધારકોને આર્થિક રાહત આપતો સુધારો

જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય પણ આ નિયમોમાં સુધારા અન્વયે કર્યો છે કે, પડતર ‘સેવ્ડ’ કેસોની મંજૂરી માટેની સમયમર્યાદા જે 2022માં પૂર્ણ થતી હતી તે વધુ ત્રણ વર્ષ એટલે કે 2025 સુધી વધારી આપવામાં આવી છે. તેમણે અન્ય એક મહત્વનો અને લીઝ ધારકોને આર્થિક રાહત આપતો સુધારો એ પણ કર્યો છે કે, બાકી લેણાના વ્યાજના દરોમાં 6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ 18 ટકા છે તે ઘટાડીને હવે 12 ટકાનો વ્યાજ દર કરવામાં આવ્યો છે. ખાણકામના નિયમોમાં જે અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે મુજબ જાહેર હરાજીથી પ્રથમ તબક્કામાં ભાગ લીધો હોય તેવા બિડર્સમાંથી ટેક્નીકલી ક્વોલીફાઇડ તમામ બિડર્સ બીજા તબક્કામાં ભાગ લઇ શકશે.

ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા વધશે તેમજ પ્રક્રિયાઓ ઝડપી બનશે

આર્થિક બોજો વધે નહિં તે હેતુસર બિડરને ત્રણ તબક્કામાં અપફ્રન્ટ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો સુધારો પણ આ નિયમોમાં કર્યો છે કે, ખનિજ જથ્થો પૂર્ણ થઇ જાય અથવા વૈજ્ઞાનિક ઢબે ખાણકામ થઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લીઝ ધારક આવો લીઝ વિસ્તાર પરત કરી શકશે. મુખ્યમંત્રીએ ખાણ ખનિજ ક્ષેત્રમાં જાહેર કરેલા આ સુધારાઓને પરિણામે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝની જે ઇકો સિસ્ટમ રાજ્યમાં ઊભી થયેલી છે તેમાં વધુ સરળીકરણ થશે. ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા વધશે તેમજ પ્રક્રિયાઓ ઝડપી બનશે.

Back to top button