અરવલ્લીના ધનસુરા ગામમાં 37 એકરથી વધુ વિસ્તારમાં વિકસેલા અમૃત સરોવરને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યું
દર વર્ષે ઉનાળો જામે અને તેની કાળઝાળ ગરમીના કારણે પાણીના વિવિધ સ્ત્રોત ખાલી થઇ જતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી ઝઝુમતા હોય છે. વળી પાછા જમીની પાણીના સ્તર ઊંડા થતા જાય એ સમસ્યા તો ખરી જ. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્ભવતી પાણીની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જમીની પાણીના સ્તર ઊંચા લાવવા આઝાદીના અમૃત વર્ષમાં કેન્દ્ર સરકારે “અમૃત સરોવર પ્રોજેક્ટ” અમલમાં મૂક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી શરુ થયેલી આ પહેલ હેઠળ દેશના દરેક જિલ્લામાં 75 તળાવો પસંદ કરીને તેને ‘અમૃત સરોવર’ તરીકે વિકસાવવા માટે તેમણે આહ્વાન કર્યું હતું.વડાપ્રધાને કરેલા આહ્વાનને ગુજરાતના તમામ જિલ્લાઓએ ઝીલી લઈ મિશન મોડમાં કામગીરી શરુ કરી, જેના પરિણામે આજે ગુજરાતમાં 650 કરતા પણ વધારે અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું, અને અનેક અમૃત સરોવરોને વિકસાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ગુજરાતનો અરવલ્લી જિલ્લો અમૃત સરોવરના નિર્માણમાં નોંધપાત્ર કામ કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લાએ 75 નહિ પણ 80 અમૃત સરોવરો વિકસાવવાનું બીડું ઉપાડ્યું છે. સરાહનીય બાબત તો એ છે કે, ગત 15મી ઓગસ્ટ 2022ના શુભ દિવસે અરવલ્લીના તૈયાર થઇ ગયેલા 20 અમૃત સરોવર ઉપર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેની સંખ્યા હાલમાં વધીને 27 સુધી પહોંચી છે, અને હજુ પણ 53 સરોવરને વિકસાવવાનું કામ પ્રગતિમાં છે.અરવલ્લી જિલ્લાના અમૃત સરોવરની વાત આવે ત્યારે ધનસુરા ગામના અમૃત સરોવરને કેવી રીતે ભૂલી શકાય?…વડાપ્રધાનની હાકલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શનથી વિકસાવવામાં આવેલું ધનસુરાનું આ અમૃત સરોવર દેશમાં નિર્માણ પામેલા વિશાળ અમૃત સરોવરમાંનું એક છે. આશરે 37.67 એકર જેટલા વિસ્તારમાં નિર્માણ પામેલા આ સરોવરની ક્ષમતા 159 લાખ લીટરથી પણ વધુ છે. ગત સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી અને કામગીરીને બિરદાવી હતી. એ જ દિવસે 15મી ઓગષ્ટની ઉજવણી માટે ધનસુરા ગામના અનેક લોકો આ અમૃત સરોવરની આસપાસ એકઠા થયા હતા અને દેશની સેનામાંથી નિવૃત થયેલા વીર જવાન નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ત્યાં પ્રથમવાર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ધનસુરા ગામમાં અમૃત સરોવરનું નિર્માણ થતા ઉનાળા ઉપરાંત પણ તેની આજુ-બાજુમાં આવેલા બાગ-બગીચાઓને અને ખેતરોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું થયું છે. આ તળાવને ઊંડું કરાતા હવે તેમાં પાણીનો સંગ્રહ વધતા પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે. સાથે જ આ વિસ્તારના જમીની પાણીના સ્તર પણ ઊંચા આવતા બોર અને કુવા જેવા પાણીના સ્ત્રોતમાં પાણીની આવક વધી છે. અમૃત સરોવરનું બ્યુટીફીકેશન અને ફરતી બાજુ વૃક્ષોના વિવિધ પ્રજાતિના અનેક વૃક્ષોના વાવેતરથી સરોવરની રોનકમાં વધારો થયો છે.