કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ પરત ખેંચ્યું, નવો ડ્રાફ્ટ કરાશે તૈયાર
નવી દિલ્હી, 12 ઓગસ્ટ : કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને હાલ માટે હોલ્ડ પર રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે આ બિલનો નવો ડ્રાફ્ટ વ્યાપક ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) એ ગયા વર્ષે નવેમ્બરમાં નવા બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ બિલના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણી માટેની અંતિમ તારીખ 10 નવેમ્બર, 2023 હતી.
બિલનો બીજો ડ્રાફ્ટ આ વર્ષે જુલાઈમાં તૈયાર કરવામાં આવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બિલનો સુધારેલ ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા જ પસંદગીના હિસ્સેદારો વચ્ચે ‘ગુપ્ત રીતે’ લીક થઈ ગયો હતો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં સ્ટેકહોલ્ડર્સ અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો.
અમને વિવિધ હિસ્સેદારો તરફથી ઘણી ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો મળ્યા હતા. મંત્રાલય બિલના ડ્રાફ્ટ પર હિતધારકો સાથે શ્રેણીબદ્ધ ચર્ચાઓ કરી રહ્યું છે. સૂચનો અને ટિપ્પણીઓ માટે 15 ઓક્ટોબર, 2024 સુધી વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. વિગતવાર વિચાર-વિમર્શ બાદ બિલનો નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.