નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મદરેસામાં ધોરણ 1થી 8 સુધી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ બંધ કરી દીધી છે. જેને લઈને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મદરેસામાં 1થી 5 સુધીના બાળકોને 1000 રૂપિયા શિષ્યવૃતિ મળતી હતી. તો 6થી 8 ધોરણમાં ભણતા બાળકોને અલગ અલગ કોર્ષ મુજબ છાત્રવૃતિ મળતી હતી.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર અંતર્ગત ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ નિઃશુલ્ક છે. આ ઉપરાંત છાત્રોને અન્ય જરુરી વસ્તુ પણ આપવામાં આવે છે. મદરેસામાં મિડ ડે મીલ અને પુસ્તક ફ્રી મળે છે. એવામાં સરકારે છાત્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે 9 અને 10ના વિદ્યાર્થીઓને છાત્રવૃતિ પહેલાંની જેમ જ મળતી રહેશે. તેમના આવેદન લેવામાં આવશે.
ગત વર્ષે રાજ્યના 16,558 મદરેસામાં 4થી 5 લાખ બાળકોને સ્કોલરશિપ મળી હતી. આ વખતે પણ નવેમ્બરમાં મદરેસાના બાળકોને છાત્રવૃત્તિ માટે આવેદન અપાયું હતું. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક જ છાત્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પહેલાં જ સ્કોલરશિપ બંધ કરી દીધી છે.
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે હાલમાં જ મદરેસામાં સર્વે કરાવ્યો હતો. જેમાં 8,429 ગેરકાયદે મળ્યા છે. સર્વે દરમિયાન આ મદરેસાની આવકો સ્ત્રોત દાન (જકાત) બતાવવામાં આવ્યો છે. એવામાં યૂપી સરકાર મદરેસાની આવકનો સ્ત્રોત તપાસવાની તૈયારી કરી રહી છે.
નેપાળથી લાગેલા બોર્ડર વિસ્તારમાં મોટી સંખ્યામં ગેરકાયદે મદરેસાઓ છે. નેપાળથી લાગેલા બોર્ડર વિસ્તાર જેવા કે સિદ્ધાર્થનગરમાં 500, બલરામપુરમાં 400, બહરાઇચ અને શ્રીવાસ્તીમાં 400, લખીમપુરમાં 200, મહરાજગંજમાં 60થી વધુ મદરેસા ગેરકાયદે છે. આ મદરેસાને કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, સાઉદી અને નેપાળથી જકાત મળે છે. એવામાં હવે તેમના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે.