ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચીનમાં નવા વાયરસ બાદ ભારતમાં એલર્ટ, હોસ્પિટલોને સજ્જ રહેવા આપ્યા નિર્દેશ

નવી દિલ્હી, 26 નવેમ્બર: ચીનમાં રહસ્યમય બીમારીના કેસોમાં વધારા વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરી છે. ચીનમાં આ ‘રહસ્યમય બીમારી’ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે શ્વસન રોગની તૈયારીના પગલાંની સક્રિયપણે સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હોસ્પિટલોને બીમારીને ફેલાતા અટકાવવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીઓની તાત્કાલિક સમીક્ષા કરવાની કેન્દ્ર એ નિર્દેશ આપ્યો છે. હાલમાં સરકાર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે, અને સંકેત આપ્યો છે કે કોઈ પણ પ્રકારની ચેતવણીની જરૂર નથી.

હોસ્પિટલને તમામ સુવિધાઓથી સજ્જ કરવા જણાવ્યું

આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીને અપડેટ કરવા જણાવ્યું છે. એડવાઈઝરી મુજબ હોસ્પિટલોમાં સ્ટાફ, બેડ, આવશ્યક દવાઓ, ઓક્સિજન, એન્ટીબાયોટીક્સ, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રીએ તેમના નિર્દેશોમાં કહ્યું કે હોસ્પિટલોએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર સારી રીતે કામ કરે છે. ઉપરાંત, ચેપના ફેલાવાને રોકવા માટે બનાવેલા ચેપ નિયંત્રણ પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ.

કેન્દ્ર એ કહ્યું- ગભરાવવાની જરૂર નથી

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ‘કોવિડ -19 ના સંદર્ભમાં સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે ઓપરેશનલ ગાઇડલાઇન્સ’ લાગુ કરવાની સલાહ આપી છે. શ્વસન રોગમાં વધારો મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, SARS-CoV-2 જેવા સામાન્ય કારણોને લીધે થાય છે. આ માટે સરકારે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટના જિલ્લા અને રાજ્ય સર્વેલન્સ યુનિટ્સ, ખાસ કરીને બાળકો અને કિશોરોના સ્વાસ્થય પર ધ્યાન રાખવા સુનિશ્ચિત પગલાં લેવાનું કહ્યું છે.

ચીનમાં H9N2 કેસમાં વધારો થયો

ગયા સપ્તાહે ચીનના નેશનલ હેલ્થ કમિશને ન્યૂમોનિયાના ફેલાવાનું કારણ કોરોના પ્રતિબંધો હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. WHOએ આ રોગની તપાસ કરવા માટે હાલમાં ચીનમાં ફેલાતા તમામ પ્રકારના વાયરસની યાદી માગી છે. તદુપરાંત લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. WHO એ હજુ સુધી આ રહસ્યમય રોગ મહામારી છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી. WHO એ ચીની અધિકારીઓ પાસેથી વધારાની માહિતી માગી છે, અને કહ્યું છે કે હાલમાં કોઈપણ ચેતવણીની જરૂર નથી.

Back to top button