ટોપ ન્યૂઝનેશનલ

મધ્ય પ્રદેશમાં તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓએ લેવી પડશે રાજ્ય સરકારની મંજૂરી

Text To Speech

ભોપાલ, 18 જુલાઈ : મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં સીબીઆઈ સહિત તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ કોઈપણ કેસની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની લેખિત મંજૂરી લેવી પડશે. મંજૂરી હશે તો જ તેઓ તપાસ કરી શકશે. મધ્યપ્રદેશના ગૃહ વિભાગે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ આ નવી સિસ્ટમ 1લી જુલાઈથી અમલી માનવામાં આવશે. જો કે, આ અંગેનું નોટિફિકેશન 16 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે.

સૂચના 16 જુલાઈએ પણ 1 જુલાઈથી અમલવારી લાગુ થઈ

ગૃહ વિભાગના સચિવ ગૌરવ રાજપૂતે આ અંગે માહિતી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે સીબીઆઈને મધ્યપ્રદેશમાં કોઈપણ ખાનગી વ્યક્તિ, સરકારી અધિકારીઓ અથવા અન્ય સંસ્થાઓની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની સ્પષ્ટ પરવાનગી લેવી પડશે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946ની કલમ 6 મુજબ, CBIને તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારોની સંમતિ જરૂરી છે.

આ રાજ્યોમાં પણ સીબીઆઈની મંજૂરીનો નિયમ છે

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ પહેલા પણ ઘણા રાજ્યોએ પોતાના રાજ્યોમાં આવી સિસ્ટમ લાગુ કરી છે. જો કે, અત્યાર સુધી, મોટાભાગના રાજ્યોમાં જ્યાં આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યાં વિપક્ષની સરકાર છે. જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. વિરોધ પક્ષો સતત આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજને પ્રભાવિત કરવા માટે તપાસ એજન્સીઓના ડરનો ઉપયોગ કરી રહી છે. લોકસભા ચૂંટણી વખતે પણ વિપક્ષે આને મુદ્દો બનાવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે સીબીઆઈ તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે.

Back to top button