ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં CBI ની અધ્યક્ષતા વાળી SIT એ ચાર શખસોની કરી ધરપકડ

તિરૂપતિ, 10 ફેબ્રુઆરી : આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં વિશેષ તપાસ ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે. તિરુપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી દેશભરમાં શ્રદ્ધાળુઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ જ ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે, જેઓ અલગ-અલગ ડેરીઓ સાથે સંકળાયેલા છે, પરંતુ મંદિરમાં પશુઓની ચરબીયુક્ત ઘી પહોંચાડવામાં તેમનો હાથ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળના સંબંધમાં વિશેષ તપાસ ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે કરવામાં આવી છે.

આરોપીઓ કઈ ડેરીના છે?

જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી  બે વ્યક્તિઓ (બિપિન જૈન અને પોમી જૈન) ભોલે બાબા ડેરીના છે, અપૂર્વ ચાવડા ‘વૈષ્ણવી ડેરી’ સાથે અને (રાજુ) રાજશેખરન ‘AR ડેરી’ સાથે સંકળાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે ધરપકડ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર જીત્યા હતા અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.

વિશેષ તપાસ ટીમમાં પાંચ સભ્યો

સૂત્રોએ જણાવ્યું કે એસઆઈટીએ ખુલાસો કર્યો કે વૈષ્ણવી ડેરીએ ખોટો દાવો કર્યો હતો કે તેણે ભોલે બાબા ડેરી પાસેથી ઘી મેળવ્યું હતું, જ્યારે અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે ભોલે બાબા ડેરી પાસે મંદિર બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની માંગને પહોંચી વળવાની ક્ષમતા નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિના લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરવા માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. તેમણે કહ્યું કે ટીમમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના એક અધિકારીનો સમાવેશ થાય છે.

ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપો કર્યા હતા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને YSRCP (યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી)ના રાજ્યસભાના સભ્ય વાયવી સુબ્બા રેડ્ડી અને અન્યોની અરજીઓ સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 4 ઓક્ટોબરે પોતાના આદેશમાં કહ્યું હતું કે SIT લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરશે અને CBI ડિરેક્ટર દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવા માટે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાયડુના આ નિવેદનથી મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો :- ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, આજથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાગશે

Back to top button